October 22, 2024

સુરતમાં 2.97 કરોડની છેતરપિંડીના કેસમાં હરિયાણાથી વધુ 2 આરોપીઓની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા યુવકના પુત્રને ઈલેક્ટ્રીક બાઈકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર અને ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂપિયા 2.97 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ફરાર ટોળકીના વધુ બે આરોપીઓની હરિયાણા ખાતેથી આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં હરિયાણાના મનવિંદર સિંઘ હરબનશિંઘ ચુગ અને તેની પુત્રી શિલ્પી મનીષ ચુગનો સમાવેશ થાય છે.

અગાઉ ઝડપાયેલા અને હાલ ધરપકડ કરાયેલા આરોપીઓ સુરત ખાતે મૂળ ફરિયાદીના મકાનમાં ભાડેથી રહેતા હતા. જે આરોપીઓએ સુરતમાં ઈલેક્ટ્રીક બાઈકની ફેક્ટરીમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે તેવી લોભામણી લાલચો આપી રોકાણ કરાવડાવ્યું હતું. સુરત વેસુ વીઆઈપી રોડ ઉપર આવેલા સંગીની ઇવોક માં રહેતા રાજેશ કુમાર લાલ મદનલાલ કુંદન લાલે આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલમાં છેતરપિંડીની ફરિયાદ આપી હતી. તેઓએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુરત ખાતે ઇ બાઈક નો પ્લાન્ટ શરૂ કરવાની ઓફર તેમના ત્યાં ભાડુઆત તરીકે રહેતા પિતા પુત્ર દ્વારા આપવામાં આવી હતી. જે માટે રાજેશભાઈ પાસેથી ટુકડે ટુકડે કરી 2.97 કરોડ રૂપિયા જેટલી રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પડાવી લેવામાં આવ્યા હતા.

કરોડો રૂપિયાનું રોકાણ કરાવડાવી મહિને આઠ ટકા વ્યાજ થી લઈને 20 ટકા શેર હોલ્ડર તરીકે ફરિયાદીના પુત્રને ડિરેક્ટર અને ભાગીદાર બનાવવાની પણ વાત કરવામાં આવી હતી. એપોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સુરત ખાતે ઇ.વી. પ્રાઇવેટ લિમિટેડ કંપની સ્થાપવા માટેની આ લોભામણી સ્કીમ ફરિયાદીને આપવામાં આવી હતી. વિશ્વાસ અને ભરોસામ આવી ગયેલા સુરતના ફરિયાદીએ મનવિંદર સિંઘ હરબનસિંઘ ચૂગ અને તેના પુત્ર સહિત પુત્રી શિલ્પી મનીશ ચુંગને કરોડોની રકમ બેંક મારફતે ટ્રાન્સફર કરાવી આપી હતી.

કરોડો રૂપિયાનું રોકાણ કરાવડાવ્યા બાદ પણ સુરત ખાતે ના તો ઈલેક્ટ્રીક બાઈક ની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી કે ના તો વળતર ચૂકવવામાં આવ્યું હતું. કંપનીની અંદર જે ભાગીદારી અને શેર હોલ્ડર તરીકે બનાવવા માટેની બાહેધરી આપી હતી તે વાતથી પણ આરોપીઓ ફરી ગયા હતા. માત્ર કાગળ ઉપર ભાગીદાર અને ડિરેક્ટર બનાવવાની વાત કરી અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આમ છેતરપિંડીનો ભોગ બનેલા રાજેશ કુમારની ફરિયાદના પગલે આર્થિક ગુના નિવારણ શાખા ઇકો શેલ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી..

દરમિયાન ઇકો સેલ દ્વારા અગાઉ આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીને જેલ હવાલે કરી દેવાયો હતો. જ્યારે આ ગુનામાં ફરાર પિતા અને પુત્રીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બંનેની ધરપકડ કરવા માટે અગાઉ ઇકો સેલ ની ટીમ આરોપીઓના વતન હરિયાણા ખાતે પણ ગઈ હતી. પરંતુ જે તે સમયે પોલીસે વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. દરમિયાન ચોક્કસ માહિતી ના આધારે ઇકો સેલ ની ટીમ દ્વારા હરિયાણા ખાતે આવેલા બેસ્ટેચ પાર્ક સ્થિત નિવાસસ્થાન ખાતેથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બંને આરોપીઓને ગુરુગ્રામ હરિયાણાની કોર્ટમાં રજૂ કરી 20મી ઓક્ટોબર સુધીના ટ્રાન્ઝિસ્ટ વોરંટ મેળવવામાં આવ્યું હતું. જે બંને આરોપીઓને સુરત ખાતે લઈ આવી નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. જે કોર્ટ સમક્ષ રજૂ કરી બંને આરોપીઓના 23 ઓક્ટોબર સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ પંજાબના દેરાબસી પોલીસ સ્ટેશનમાં અને નવી દિલ્હીના પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓ દ્વારા સુરતના ફરિયાદી જોડે આચરવામાં આવેલી 2.97 કરોડની છેતરપિંડી કેસમાં મુદ્દા માલ રિકવર કરવા માટેની તજવીજ ઇકો સેલ દ્વારા હાજર કરવામાં આવી છે. ઉપરાંત આરોપીઓ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ જોડે આ પ્રમાણેની છેતરપિંડી આચરી છે કે કેમ તેની તપાસ પણ હાલ ઇકો સેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.