એલિસ બ્રિજ લૂટ કેસમાં 2 આરોપીઓની કરી ધરપકડ, ગઠિયાઓ સાથે જ ઠગાઇનો મોટો ખુલાસો
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં આંખમાં મરચાની ભૂકી નાખીને એરગનથી ફાયરીગ કરીને આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 40 લાખની લૂંટ કરનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની તપાસમાં 2023માં આંગડિયા પેઢીની 28 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી જફરઇકબાલ નિયાઝઅહેમદ રંગરેજ અને મોહમંદ જાવેદ ઉર્ફે જબ્બો મોહમંદહનીફ રંગરેજની રૂ 40 લાખના લૂંટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ દાણીલીમડાના રહેવાસી છે. 10 જુલાઈના રોજ આર. કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ રૂ 65 લાખની રોકડ લઈને રિક્ષામાં સીજી રોડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે, આ બંને લૂંટારાઓ એક્ટિવા પર આવ્યા અને આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં લાલ મરચાંની ભૂકી નાખીને રૂ 40 લાખ ભરેલા થેલો લૂંટીને જતા રહ્યા હતા. જ્યારે, 25 લાખની રોકડ ભરેલી બેગ આંગડિયા પેઢીના કર્મચારી પાસે જ હતી. લૂંટ કરવા માટે આરોપીએ એરગનથી ફાયરિંગ કર્યું હતું. આ લૂંટ કેસની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે 400થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા. ત્યારે, આ બંને આરોપીઓની શકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડાથી આરોપીઓની ધરપકડ કરીને લૂંટનો ભેદ ઉકેલીને લૂંટની રોકડ અને એક્ટિવા સહિત 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર મોહમંદ જાવેદ ઉર્ફે જબ્બો રંગરેજ છે જેણે જફર ઇકબાલ સાથે મળી ને લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. બન્નેની પૂછપરછ માં ખૂલ્યું કે છેલ્લા ત્રણ માસથી આરોપી જમાલપુર બ્રિજ નીચે બેસીને આંગડિયા પેઢીના કર્મચારી કયા વાહનમાં આવે છે અને રોકડ રૂપિયા લઈને કયા વાહનમાં ક્યાં જાય છે તેની રેકી કરી હતી. લૂંટનો અંજામ આપવા માટે દોઢ માસ પહેલા રવિવાર ગુજરી બજારમાંથી સફેદ કલરનું એક્ટિવા ચોરી કર્યું હતું અને હાર્ડવેરમાંથી બ્લેક કલરનો સ્પ્રે લાવીને એક્ટિવાને કાળો કલર કર્યો હતો અને ખોટી નંબર પ્લેટ બનાવી હતી. આ એક્ટિવા લઈને બન્ને લૂંટારાઓએ લૂંટ કરી હતી. ત્યારબાદ, રોકડ ભરેલા થેલાને લઈને ફતેવાડી વિસ્તારમાં પહોચ્યા હતા. ત્યાં લૂંટ કરતી વખતે પેહરેલા કપડાં બદલી લીધા હતા અને અલગ અલગ વાહનો મારફતે પોતાના ઘરે પહોંચ્યા હતા. પરંતુ, ક્રાઇમ બ્રાન્ચે CCTV ચેક કરતા આરોપી શંકાસ્પદ જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, આરોપીઓ આ લૂંટની રકમ આરોપી જાવેદ ઉર્ફે ઝબ્બો રંગરેજના સાસરીમાં પૈસા મોકલી આપવાના ફિરાકમાં હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે 40 લાખની લૂંટમાં 3.5 લાખ રૂપિયા તેને દેવું ભર્યું હતું અને 1 લાખ રૂપિયા જફરને આપ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ બન્ને આરોપીઓ 9 જુલાઈનાં રોજ પણ લૂંટ કરવા માટે પહોચ્યા હતા. પરંતુ, એક્ટિવા ચાલુ નહિ થતા લૂંટ નિષ્ફળ રહી હતી. બીજા દિવસે રેકી કરીને ફરી લૂંટને અંજામ આપ્યો હતો. એટલું જ નહિ વર્ષ 2023માં જમાલપુર વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ પણ ઉકેલાયો. આ લૂંટ પણ જાફર ઇકબાલ કરી હોવાનું ખુલ્યું છે. આ જ પ્રકારે મોડ્સ ઓપરેન્ડીથી આંગડિયા પેઢીના કર્મચારી પર લાકડાથી ફટકારીને 28 લાખની લૂંટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, લૂંટની રોકડ આરોપીએ બીટકોઈનમાં રોક્યા હતા. પરંતુ, ફેક વેબસાઈટ હોવાથી આરોપી સાથે છેતરપીંડી થઈ હતી અને તેણે 28 લાખ ગુમાવવા પડ્યા હતા. જેથી એક વર્ષ સુધી તેણે કોઈ ગુનો કર્યો ન હતો. પરંતુ દેવું થઈ જતાં ફરી એક વખત આંગડિયા પેઢીને ટાર્ગેટ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને એલિસ બ્રિજ ગાયકવાડ હવેલી અને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. હાલ બન્ને આરોપીને એલઇડી પોલીસને સોપતા એવરેજ પોલીસને સોપતા રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.