IDF ગોળીબારમાં 15 ડોક્ટરોના મોત, વીડિયો સામે આવ્યા બાદ ઇઝરાયલી સેનાએ ભૂલ સ્વીકારી

Israel: યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી ઈઝરાયલ સતત ગાઝાને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલાઓમાં 15 ઇમરજન્સી સેવા કર્મચારીઓના મોત અંગે એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઈઝરાયલી સૈન્યએ સ્વીકાર્યું છે કે 23 માર્ચે દક્ષિણ ગાઝામાં કટોકટી સેવા કર્મચારીઓની હત્યામાં તેના સૈનિકોએ ભૂલો કરી હતી. આ ઘટનામાં રફાહ નજીક પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ સોસાયટી (PRCS)ની એમ્બ્યુલન્સ યુએનની એક કાર અને ગાઝા સિવિલ ડિફેન્સના ફાયર બ્રિગેડ ટ્રક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

જોકે, ઈઝરાયલે અગાઉ કહ્યું હતું કે કાફલો અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહ્યો હતો, તેથી ઈઝરાયલી સૈનિકોએ ગોળીબાર કર્યો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વાહનોની અવરજવર પહેલા સેનાને જાણ કરવામાં આવી ન હતી.

અગાઉ, માર્યા ગયેલા પેરામેડિક્સમાંથી એકના ફોન પર રેકોર્ડ કરાયેલા વીડિયો ફૂટેજમાં જાણવા મળ્યું હતું કે ઘાયલોને મદદ માટે બોલાવતી વખતે વાહનોની લાઇટ ચાલુ હતી. જોકે, ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું હતું કે મૃતકોમાંથી છ ડોક્ટરો હમાસ સાથે સંકળાયેલા હતા. પરંતુ તેમણે હજુ સુધી આ આરોપના પુરાવા આપ્યા નથી.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં તાપમાનનો પારો 40ને પાર, 5 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

જોકે, IDF એ સ્વીકાર્યું છે કે જ્યારે સૈનિકોએ ગોળીબાર કર્યો ત્યારે માર્યા ગયેલા લોકો પાસે કોઈ હથિયાર નહોતા. તમને જણાવી દઈએ કે હુમલા સાથે જોડાયેલો વીડિયો પાંચ મિનિટથી વધુ લાંબો છે, જેમાં રેફત રદવાન નામના પેરામેડિકને પ્રાર્થના કરતા સાંભળવામાં આવે છે અને ત્યારબાદ ઈઝરાયલી સૈનિકોના અવાજો સંભળાય છે.

ઈઝરાયલી સેનાએ શું કહ્યું?
IDFના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના સૈનિકોએ પહેલા ત્રણ હમાસના માણસોને લઈ જતી કાર પર ગોળીબાર કર્યો હતો. આ પછી જ્યારે એમ્બ્યુલન્સ તે દિશામાં આગળ વધી, ત્યારે હવાઈ દેખરેખ મોનિટરોએ સૈનિકોને જાણ કરી કે કાફલો શંકાસ્પદ રીતે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે એમ્બ્યુલન્સ હમાસની કાર પાસે રોકાઈ ત્યારે સૈનિકોને લાગ્યું કે તેઓ જોખમમાં છે અને તેમણે હુમલો કર્યો.