ભારતીય ક્રિકેટનો ‘વૈભવ’, 14 વર્ષના આ ટેણિયાએ ભૂક્કા કાઢ્યા

Vaibhav Suryavanshi: સમસ્તીપુરના તાજપુરના રહેવાસી વૈભવ સૂર્યવંશીએ શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં IPL ડેબ્યૂ કરીને ઇતિહાસ રચી દીધો છે. વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ માટે પોતાની પહેલી IPL મેચ રમી રહ્યો છે. આ સાથે વૈભવ સૂર્યવંશી IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. તેણે શાર્દુલ ઠાકુર સામે તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી લોકોને ચોંકાવી દીધા હતા.

વૈભવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાની ધમાકેદાર શરૂઆતથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. લખનૌ માટે ઇનિંગની પહેલી ઓવર ફેંકવા આવેલા શાર્દુલ ઠાકુરના ચોથા બોલ પર સિક્સર ફટકારીને તેણે પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી. તેણે આઉટ થતાં પહેલાં કુલ 20 બોલનો સામનો કર્યો. આ દરમિયાન તે 34 રન બનાવવામાં સફળ રહ્યો.

કોણ છે વૈભવ સૂર્યવંશી?
વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના તાજપુર ગામમાં થયો હતો. વૈભવે માત્ર ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. વૈભવ સૂર્યવંશીના પિતાનું નામ સંજીવ છે, જે એક ખેડૂત છે, તેમણે તેમના પુત્રના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને ઓળખ્યો અને તેમના ઘરની પાછળ એક નાનું રમતનું મેદાન બનાવ્યું ત્યાં વૈભવ પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે વૈભવ 9 વર્ષનો હતો, ત્યારે તેના પિતાએ તેને નજીકના સમસ્તીપુરમાં એક ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. જોકે, 12 વર્ષની નાની ઉંમરે વૈભવે બિહાર માટે વિનુ માંકડ ટ્રોફી રમી અને માત્ર પાંચ મેચમાં લગભગ 400 રન બનાવ્યા.

કેવી રીતે રાજસ્થાન રોયલ્સની ટીમમાં મળી રમવાની તક
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન સંજુ સેમસન ઈજાના કારણે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રમી રહ્યો ન હતો. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી. વૈભવ સૂર્યવંશી પહેલા નવ બેટ્સમેન એવા છે જેમણે તેમના IPL ડેબ્યૂ મેચમાં પહેલા બોલ પર સિક્સર ફટકારી છે.

આ પણ વાંચો: દિલ્હી જનારી ઈન્ડિગોની ફ્લાઈટ અચાનક જયપુર ડાયવર્ટ કરવા પર ભડક્યા ઓમર અબ્દુલ્લા