December 22, 2024

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ, નડિયાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ

Rainfall in Gujarat: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘો ધઢબડાટી બોલાવી રહ્યો છે. ત્યાં જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિ બનેલી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં ખેડાના નડિયાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીં જનજીવનને માઠી અસર પહોંચી છે.

ખેડાના વસો, દાહોદ અને સંતરામપુરમાં સાડા 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યાં જ મહુધા અને ઝાલોદમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ મોરવા હડફ, લુણાવાડા, કડાણા અને ફતેપુરામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ

અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ
આજ સવારથી જ અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી છે. હાલમાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં SG હાઇવે, ઇસ્કોન, સેટેલાઇટ, બોડકદેવ, નવાવાડજ, ઉષ્માનપુરા, રાણીપ અને નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેથી સવારે નોકરી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજે અને આવતીકાલે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે.