November 22, 2024

મોબાઈલ ચોરીની આશંકાએ 11 શખ્સોએ યુવકને મારી નાખ્યો, 8ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: મોબાઈલ ચોરીની આશંકાએ એક યુવકને માર મારી હત્યા નિપજાવવામાં આવી. કુલ 11 જેટલા આરોપીએ યુવકની હત્યા નિપજાવી નગ્ન હાલતમાં મૃતદેહને નાખી પુરાવાનો નાશ કર્યો હતો. જે મામલે વટવા પોલીસે હત્યા અને પુરાવા નાશની કલમો હેઠળ ગુનો નોધી 8 આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં અન્ય 3 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ત્યારે ખરેખર મૃતક મોબાઈલ ચોર હતો કે માત્ર શંકા હતી. તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે.

મંગળવારે વહેલી સવારે વટવા વિસ્તારમાથી પસાર થતી બુલેટ ટ્રેનના પિલ્લર પાસેથી 22 વર્ષીય રાજ ડબગર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અને પરિવારે રાજના મૃતદેહ અંગે તપાસ શરૂ કરતા પોલીસને એક મહત્વનો પુરાવો મળી આવ્યો, એટલે કે એક નજરે જોનાર સાક્ષી મળી આવ્યો. જેણે રાજની હત્યા પહેલા ઘરે ઘરેથી કચરો ઉઘરાવતી ગાડીઓના ડ્રાઇવર સાથે મોબાઈલ ચોરીના આશંકાથી મારામારી અને બબાલ થતાં જોઈ હતી. જેથી પોલીસે રાજ ડબગરની હત્યા મામલે કુલ 11 આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાની નાશની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. જે દિશામાં તપાસ કરતા કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

હત્યાની તપાસ કરતા પોલીસને ચાની કીટલી ચલાવતો એક યુવક મળી આવ્યો હતો. જેણે કેટલાક ડ્રાઇવરોને મૃતકને માર મારતા જોયા હતા. ડ્રાઇવરો મોબાઇલ ચોરી અંગે રાજની પૂછપરછ કરી તેને માર મારતા હતા. જેમાં અપ્પુ તથા સતિષભાઈ સહિત કુલ 9 જેટલા લોકો હાજર હતા જેમના મારથી રાજનું મૃત્યુ નીપજ્યું હતું. તથા રાજની હત્યા બાદ તમામ લોકોએ ભેગા મળી તેના મૃતદેહને કચરા ભરવાની ગાડીમાં નાખી મેટ્રોપિલર પાસે આવવાનું જગ્યાએ છોડી આવ્યા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા પુરાવાનો નાશ કરવાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેથી પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

22 વર્ષીય રાજ ડબગરની હત્યા મામલે મૃતકની બહેને નોંધાવેલી ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યાનો ભેદ ઉકેલ આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ રાજ મોબાઇલ ચોર હતો કે કેમ તે અંગે કોઈ હકીકત સામે નથી આવી. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ કરી છે. કારણ કે જે ડ્રાઇવર રાજને માર મારતા હતા તે ડ્રાઇવરના ચોરી થયેલા મોબાઈલ હજી મળી આવ્યા નથી. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.