February 23, 2025

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા આગામી 27 માર્ચથી શરૂ થશે, જાણો વિધાર્થીઓને ધ્યાનમાં રાખવાના સૂચનો

ગાંધીનગર: આગામી 27 તારીખ થી ધો 10-12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જરૂરી સૂચનો જાહેર કરવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકાર ની તકલીફ ન પડે અને ભૂલ ન પડે. પરીક્ષાર્થીએ જવાબ લખવાનું શરૂ કરતાં પહેલાં અગત્યની સૂચનાઓ અવશ્ય વાંચી લેવી. આ સૂચનાઓનો ભંગ કરવા બદલ પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમો તથા શિક્ષાકોષ્ટક મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. શું છે આ સૂચનો આવો જોઈએ…

પરીક્ષા સમયે વિધાર્થીઓ ધ્યાનમાં રાખવાની બાબતો
બારકોડ સ્ટીકર – પરીક્ષાર્થીની ફી રસીદ કે પ્રવેશપત્ર પરનો બેઠક નંબર તથા બારકોડ સ્ટિકર પરનો બેઠક નંબર એક જ છે તે ચકાસી તથા બારકોડ સ્ટિકર પરનો વિષયકોડ બરાબર છે તેની ખાતરી કરી મુખપૃષ્ઠ ઉપર બતાવેલ બારકોડ સ્ટિકર ચોંટાડવાના ખાનામાં બારકોડ સ્ટિકર ચોંટાડવું. બારકોડ સ્ટિકર સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં કરવા નહીં

પરીક્ષાર્થીએ ફી રસીદ/પ્રવેશપત્ર અનુસાર પોતાનો બેઠક નંબર ફક્ત નિયત જગ્યા સામે જ છેકછાક કર્યા સિવાય અંગ્રેજી અક્ષરોમાં અંકો અને શબ્દો બન્નેમાં લખવો.

ઓળખ ગુપ્ત રાખવી- પરીક્ષાર્થી પુરવણીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ પ્રગટ થઈ શકે તેવા નંબર કે નિશાન જેવા કે દેવી દેવતાઓનાં નામ કે કોઈ પણ ધાર્મિક ચિન્હો સહિતનું લખાણ કરવું નહીં.

ખરાઇ- પરીક્ષાર્થીએ વર્ગખંડમાં હાજર/ગેરહાજર રિપોર્ટ પત્રક 01માં ખાના નં. 1 છાપેલ પોતાના બેઠક નંબર સામે ખાના નં. 2 માં છાપેલ જવબવહી નંબરની ચકાસણી, બારકોડ સ્ટિકર પરના બેઠક નંબર તથા જવાબવહી નંબર સાથે ચેક કર્યા પછી હસ્તાક્ષર કરવા.

સ્ટીકર નિયત જગ્યાએ લગાવવું – પરીક્ષા સમય પૂર્ણ થવાના દસ મિનિટ અગાઉ મુખ્ય જવાબવહી તથા પુરવણી ઉપર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે

પેનનો રંગ – પુરવણીના કોઈ પણ ભાગમાં લખાણ કરતી વખતે વાદળી/ભૂરા રંગની શાહી/બોલપેન સિવાય અન્ય કોઈ રંગની બોલપેન/શાહીનો ઉપયોગ કરવો નહીં. જવાબના મથાળા/પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે અન્ય કોઈ પણ રંગની શાહીનો ઉપયોગ કરવો નહીં.

પુરવણીમાં ઉત્તર લખવાની રીત – પ્રત્યેક પાનાની બંને બાજુએ લખવું. વિભાગવાર પ્રશ્નોના ઉત્તરો લખવા. વિભાગ બદલાય એટલે ઉત્તરો નવા પાના પરથી શરૂ કરવા. વિભાગવાર પ્રશ્નોના પ્રશ્નક્રમાંક જે તે હાંસિયામાં લખવા. વિભાગ બદલાય પછી પ્રશ્નક્રમાંક સળંગ ક્રમાંકમાં જ લખવાનાં રહેશે. વિભાગ બદલાય ત્યારે વચ્ચે કોરું પાનું છોડવું નહીં,’ જે પ્રશ્નપત્રમાં વિભાગ ન હોય તે પ્રશ્નપત્રના પ્રશ્નો/પેટાપ્રશ્નો સળંગ લખવાના રહેશે પરંતુ નવો પ્રશ્ન નવા પાનાથી શરૂ કરવો અને બે પ્રશ્નો વચ્ચે કોરું પાનું છોડવું નહીં. પેપર પૂરું થયા પછી બાકી રહેલા કોરા પાના પર ઊભી લીટી દોરવાની રહેશે.

ઉપરોક્ત વિગતોની અપૂર્તતા માટે પરીક્ષાર્થી તથા ખંડ-નિરીક્ષક બંને જવાબદાર રહેશે.

પરીક્ષાર્થીએ જો પુરવણીનો ઉપયોગ કરેલ હોય તો બોર્ડ દ્વારા આપવામાં આવેલ સફેદ મીણના દોરાનો જ પુરવણી બાંધવા ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈ દોરાનો ઉપયોગ પુરવણી બાંધવા થયેલ હશે તો તે બાબતને ગેરરીતિ ગણી કાર્યવાહી કરવામાં આવશે..