December 18, 2024

જાણો ગુજરાતના એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈ આવનાર મુસ્લિમ મહિલા કોણ હતા?

ઝોહરાબેન ચાવડા જ નહીં તેમના પતિ પણ બે ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે.

રતનસિંહ ઠાકોર, અમદાવાદ: અત્યારે મુસ્લિમ ઉમેદવારને સાંસદની ચૂંટણી લડવા ટિકિટ પણ નથી મળતી અને જો મળે તો ચૂંટણીમાં તે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની જાય છે. પરંતું આજે અમે તમને એક એવા મુસ્લિમ મહિલા વિશે જણાવીશું જેઓ 50 હજાર મતોથી જીત મેળવી હતી અને ગુજરાતના એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

વાત છે ઈ.સ. 1962ની લોકસભા ચૂંટણીની જેમાં કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી એક માત્ર મુસ્લિમ મહિલાને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતારી હતી. આ મુસ્લિમ મહિલાનું નામ ઝોહરાબેન અકબરઅલી ચાવડા હતું. જેઓ સાંસદની ચૂંટણી લડ્યા હતા.

કોંગ્રેસનાં ઝોહરાબેન ચાવડાએ તે સમયે સ્વતંત્ર પાર્ટી સામે ચૂંટણી મેદાનમાં ઉતરી કનૈયાલાલ મહેતાને ભારે ટક્કર આપી હતી. ઝોહરાબેન ચાવડાએ 54,956 મતે તેમને હાર આપી હતી એટલે કે અંદાજીત તે સમયે કુલ મતોમાંથી 56 ટકા વધારે મતદાન કોંગ્રેસ તરફે થયું હતું અને આખા ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક પરથી એક માત્ર મુસ્લિમ મહિલા સાંસદ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની સામગ્રી બનાવતા એકમોમાં મંદીનો માહોલ

તમને જણાવી દઈએ કે ઝોહરાબેન ચાવડા જ નહીં તેમના પતિ પણ બે ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે. દેશમાં જ્યારે પહેલીવાર લોકસભાની ચૂંટણી 1952 યોજાઈ ત્યારે ઝોહરાબેન ચાવડાના પતિ અકબરઅલી ચાવડા પણ બનાસકાંઠા બેઠક પરથી જ લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તે વખતે ગુજરાત રાજ્ય અસ્તિત્વમા નહોતું, આ સમયે બનાસકાંઠા બેઠક મુંબઈ સ્ટેટમાં આવતી હતી ત્યારે તેઓ સળંગ બે વાર લોકસભા ચૂંટણીમાં વર્ષ 1952 અને 1957માં બનાસકાંઠાના સાંસદ બન્યા હતા.

ગુજરાતની સ્થાપના થયા પછી યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં ઝોહરાબેને પણ જીત મેળવી હતી, ઝોહરાબેનની આ જીત આજેય બનાસકાંઠાના ઈતિહાસના પન્નાઓ પર લખાયેલી છે. આ પછીની કોઈ ચૂંટણીમાં મુસ્લિમ મહિલા નેતાએ લોકસભાની ચૂંટણી જીતી નથી. અને હવે તો મુસ્લિમ મહિલા નેતા ચૂંટણી જીતીને સાંસદ બને તે સ્વીકારવું ખુબ જ મુશ્કેલ છે.