July 7, 2024

વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું

Paytm Payments Bank: Paytm પેમેન્ટ્સ બેંકના સહ-સ્થાપક વિજય શેખર શર્માએ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. One97 કોમ્યુનિકેશન લિમિટેડે Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી તેના નોમિનીને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ વિજય શેખર શર્માએ બોર્ડના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડનો ભાવિ વ્યવસાય હવે નવા બોર્ડ દ્વારા ચલાવવામાં આવશે.

નવા બોર્ડની રચના
સ્ટોક એક્સચેન્જમાં નિયમનકારી ફાઇલિંગમાં Paytmની મૂળ કંપની One97 Communications Limitedએ જણાવ્યું હતું કે Paytm પેમેન્ટ્સ બેંકે બોર્ડની નવેસરથી રચના કરવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત ISS રજની સેખરી સિબ્બલને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.

પેટીએમ પેમેન્ટ બેંક ચલાવવા માટે આરબીઆઇની સલાહ
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ Paytm પેમેન્ટ બેંકને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જો Paytm UPI સેવાઓને Paytm પેમેન્ટ સાથે લિંક કરવામાં આવે, તો તે 15 માર્ચ પછી કામ કરશે નહીં. જો આ સેવા ચાલુ રાખવી હોય તો ગ્રાહકો અને વેપારીઓએ તેમના Paytm UPIને કોઈ અન્ય બેંક સાથે લિંક કરવું પડશે. Paytmની પેરેન્ટ કંપની One97 Communication Limited આ માટે 4-5 બેંકોના સંપર્કમાં છે. જોકે RBIએ NPCIને Paytmની UPI સેવાને જાળવી રાખવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. NPCIને એડવાઈઝરી જારી કરતી વખતે, સેન્ટ્રલ બેંકે કહ્યું હતું કે Paytm એપ પર સર્વિસ ચાલુ રહે, જેના માટે NPCIએ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર તરીકે ઉચ્ચ વોલ્યુમ UPI વ્યવહારો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતી બેંકોના પ્રમાણપત્રની સુવિધા પ્રદાન કરવી જોઈએ. આરબીઆઇએ ડિજિટલ પેમેન્ટના દેખરેખની કામગીરી રાખનાર સંસ્થા NPCIને @paytm હેન્ડલને અન્ય નવી બેંકોમાં સ્થાનાંતરિત કરવા જણાવ્યું છે.

15 માર્ચ પછી પેટીએમ પેમેન્ટ બેંક પર ખતરો
આરબીઆઈએ કહ્યું છે કે યુપીઆઈ હેન્ડલનું માઈગ્રેશન ફક્ત તે ગ્રાહકો અને વેપારીઓ માટે જ હશે જેમના યુપીઆઈ હેન્ડલ પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા છે. આરબીઆઈનું આ પગલું Paytm પેમેન્ટ બેંકના તે ગ્રાહકો અને વેપારીઓને રાહત આપશે જેમની UPI Paytm પેમેન્ટ બેંક સાથે લીંક છે. Paytm, Axis Bank સાથે મળીને NPCI ને UPI બિઝનેસ માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર તરીકે કામ કરવા માટે અરજી કરી હતી. નોંધનીય છે કે UPI ટ્રાન્ઝેક્શન્સ Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા થાય છે, Paytm હાલમાં TPAP તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું નથી. બીજી બાજુ Amazon Pay, Google Pay, Mobikwik, PhonePe અને WhatsApp સહિત 22 સંસ્થાઓ હાલમાં TPAP લાઇસન્સ ધરાવે છે.નોંધનીય છે કે UPI એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તેને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે અને NCPI દેશભરમાં UPI ટ્રાન્ઝેક્શનનું સંચાલન અને દેખરેખ રાખે છે.