November 23, 2024

વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર

ફાઇલ તસવીર

વડોદરાઃ લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ગુજરાતમાં 7મી એપ્રિલે મતદાન યોજાવવાનું છે. ત્યારે વડોદરામાં છેલ્લા ઘણાં સમયથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. આ દરમિયાન વડોદરાના સાંસદ ઉમેદવાર રંજન ભટ્ટે ટ્વીટ કરી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

તેમણે એક્સ પોસ્ટમાં જાહેરાત કરતા લખ્યું છે કે, ‘હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.’

સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરવોર
વડોદરા શહેરમાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રંજન ભટ્ટ છેલ્લી બે ટર્મથી સાંસદ રહ્યા છે અને તેમને આ વખતે ત્રીજી વખત ટિકિટ આપીને રિપિટ કરવામાં આવ્યા છે. ત્યારે તેમનો વિરોધ કરતા ઉમેદવારીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે..

રંજનબેને પોસ્ટરવોર અંગે શું કહ્યું?
આ અંગે રંજનબેન ભટ્ટ કહે છે કે, ‘જેમણે મારા વિરુદ્ધમાં પોસ્ટર લગાવ્યા છે તે એક વ્યક્તિ જ છે. જેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તે ભારતીય જનતા પાર્ટીનું નામ બદનામ કરી રહ્યા છે. આટલા દિવસથી નેગેટિવિટીથી કામ કરી રહ્યા હતા. છેલ્લા દસ વર્ષથી વડોદરાની સેવા કરી છે. પાર્ટીના સભ્યો અને કાર્યકરોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે. પાર્ટીએ ત્રીજીવાર મને રિપિટ કરી છે, ત્યારે વડોદરાના લોકો ખુશ છે, કાર્યકર્તાઓ ખુશ છે. મારી સાતેય વિધાનસભાના ધારાસભ્યો દરરોજ સંમેલન દ્વારા સ્વાગત-સન્માન કરે છે. આગામી દિવસોમાં અમે માઇક્રો પ્લાન કરીશું. છેલ્લા કેટલાય દિવસથી આ ચાલતું હતું, હું બોલતી નહોતી. ત્યારે હવે આ ચલાવી લેવાશે નહીં. વડોદરા અને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ છે. પોલીસ પણ તેમની કામગીરી કરશે. કાર્યકર્તા અને અમે સાથે રહીને પ્રચાર કરીશું. વડોદરાની જનતા વચ્ચે જઈ રહ્યા છીએ. જે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે, તે બહુ ખોટું કરી રહ્યા છે.’