July 3, 2024

ઉના પોલીસની સકારાત્મક પહેલ, વ્યાજખોરીમાં ફસાયેલ લોકોને નવા કાયદાઓની માહિતી અપાઈ

ધર્મેશ જેઠવા, ઉના: આજે 1 જુલાઈથી દેશમાં લાગુ થયેલ ત્રણ નવા કાયદાઓમાં ફેરફાર કરી કલમોમાં ફેરફાર કરાયો છે અને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને માહિતગાર કરવા ઉના પોલીસ દ્વારા જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આજ રોજ 1 જુલાઈથી આપણા ભારત દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં આવેલા ત્રણ જેટલા ફોજદારી કાયદાને બદલવામાં આવ્યા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ નવા કાયદાઓ છે જે ભારતીય દંડ સંહિતા 1860 ફોજદારી પ્રક્રિયા 1898 તેમજ ભારતીય પુરાવા અધિનિયમ 1872 ને બદલવામાં આવી છે તે બાબતે લોકોને પોલીસ અને વકીલો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

ઉના શહેર તેમજ તાલુકામાં વસતા લોકોએ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણા લીધેલ હોય અને તેમની પાસે પઠાણી ઉઘરાણીઓ કરતા હોય તો ખાનગી વ્યાજખોર વિરુદ્ધ પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે છે ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે ઉનાના દેલવાડા રોડ પર આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે ખાસ લોકજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉના વિભાગ ડી વાય એસ પી એમ.એફ.ચૌધરી, ઉના પી.આઈ એમ.એન રાણા, નવાબંદર પીએસઆઇ વિજયસિંહ.ઝાલા, ઉના પી.એસ.આઇ એચ.એલ જેબલિયા, ઉના સરકારી વકીલ વસાવાભાઈ, ઉના નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા,ઉના નગરપાલિકા સદસ્ય રાધે ઉર્ફે ચંદ્રેશ જોષી,વકીલ રામજીભાઈ પરમાર,વકીલ મોહનભાઈ બાંભણિયા વેપારી એસોસિએશનના પ્રમુખો,સામાજિક આગેવાન રસિક ચાવડા, ઉના સરકારી તેમજ ખાનગી બેન્કના બ્રાન્ચ મેનેજરો તેમજ ઉના એ.આર.ભટ્ટ લો કોલેજના પ્રિન્સિપાલ સિદ્ધાર્થ ઓઝા સહિતનાઓ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જે લોકોએ ધીરધાર પાસેથી ઉંચા વ્યાજે ઉછીના રૂપિયા લેતા હોય છે. ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે ઉના નગર પાલિકા સહિત અન્ય બેન્કો માંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે અને લોન કેવી રીતે મેળવવી તે અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી અને આવા ઉંચા વ્યાજે નાણા આપતા લોકો પાસેથી રહીશોએ નાણાં લીધેલ હોય અને તેઓને હેરાન પરેશાન કરતા હોય તો ઉના પો.સ્ટે આવી પોતાની વાત રજુ કરે તેવું પણ કાર્યક્રમના અંતે જણાવાયું હતુ.