October 16, 2024

ગાંધીનગર લોકસભાની બેઠક માટે કુલ 30 ઉમેદવાર મેદાનમાં

ફોર્મ ભરાયા બાદ આજે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે રીટનીંગ ઓફિસરની હાજરીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મલ્હાર વોરા, ગાંધીનગર: દેશ અને રાજ્યની હાઈ પ્રોફાઈલ લોકસભાની સીટ કહેવાતી એવી ગાંધીનગર લોકસભા બેઠક પર ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. જેમાં કુલ 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને આજે ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારોને બોલાવીને તેમનાં ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યના પાટનગર એવા ગાંધીનગર લોકસભા 1967માં અસ્તિત્વમાં આવી હતી અને આ બેઠક શરૂઆતથી હાઈ પ્રોફાઇલ જોવા મળી છે. ત્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી માટે બીજેપી પક્ષના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાંથી પણ સોનલબેન પટેલે પોતાની દાવેદારી નોંધાવી છે. ગાંધીનગર લોકસભા ચૂંટણી લડવા માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર ભરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર લોકસભા સીટ માટે 53 ફોર્મ ઉપડ્યા હતા. જેમાંથી 38 ફોર્મ ઉમેદવારે ભર્યા હતા. ફોર્મ ભરાયા બાદ આજે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે રીટનીંગ ઓફિસરની હાજરીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: આપ નેતા ગોપાલ ઈટાલીયાનો આરોપ,‘નિલેશ કુંભાણીના ટેકેદારોને બંધક બનાવાયા’

ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ઉમેદવારોના ફોર્મ ચકાસણી દરમિયાન બીજેપી પક્ષના અને કોંગ્રેસ પક્ષના ડમી ઉમેદવારોના ફોર્મ પરત લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય પક્ષના 6 ફોર્મ અન્ય ભૂલો અથવા તો પૂરતી વિગતો ન હોવાના કારણે રદ કરવામાં આવ્યા છે એટલે કે ગાંધીનગર લોકસભા બેઠક કુલ મળીને 8 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે એટલે કે હવે ગાંધીનગર લોકસભા બેઠક માટે 30 ઉમેદવારોના ફોર્મ રીટનિંગ ઓફિસર દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે હજુ પણ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા હોય તો તેમને 22 એપ્રિલ સુધીનો સમય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો છે જેના કારણે 22 એપ્રિલના રોજ જો કોઈ ઉમેદવાર ફોર્મ ભરત ખેંચશે તો ગાંધીનગર લોકસભાનું ચિત્ર સ્પષ્ટ થશે.

બીજી તરફ આજે ફોર્મ ચકાસણીની કાર્યવાહી દરમિયાન બીજેપી પક્ષના નેતાઓ સહિત કોંગ્રેસ પક્ષના લોકસભા ચૂંટણી લડનાર ઉમેદવાર સોનલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રિટનિંગ ઓફિસરે તેમની ઉપસ્થિતિમાં જ ફોર્મ ચકાસણી કરીને બંને પક્ષોના ફોર્મ યોગ્ય છે તેમ કહીને માન્ય રાખ્યા હતા.