June 16, 2024

ગૃહ મંત્રાલયની ઈમારતને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, MHA અધિકારીને મળ્યો ઈમેલ

Delhi Bomb Threat: દિલ્હીમાં શાળાઓ બાદ હવે ગૃહ મંત્રાલયની ઇમારતને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ આવ્યો છે. આ પછી સુરક્ષાકર્મીઓમાં હડકંપ મચી ગયો હતો. આ ઈમેલ ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીને મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઈમેલ બુધવારે બપોરે લગભગ 3 વાગે આવ્યો હતો. ત્યારબાદ, પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ ઉતાવળમાં બિલ્ડિંગને સંપૂર્ણ રીતે તપાસ્યું. જો કે, કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ પછી દિલ્હી પોલીસે આ ધમકીભર્યા ઈમેલને ફેક જાહેર કર્યો છે.

માહિતી આપતાં દિલ્હી ફાયર ઓફિસરે જણાવ્યું કે પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે ઈમારતની તપાસ કરી. નોર્થ બ્લોકમાં તૈનાત એક અધિકારીને બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળ્યા બાદ DFSને બોલાવવામાં આવ્યો હતો. શોધખોળમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, 1 મેના રોજ દિલ્હી અને નોઈડાની 150 થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકીનો મેલ મોકલવામાં આવ્યો હતો. આ શાળાઓને ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી, જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ધમકીભર્યા ઈમેલનું આઈપી એડ્રેસ હંગેરીની રાજધાની બુડાપેસ્ટનું હતું. આઈપી એડ્રેસ પરથી જાણવા મળ્યું કે દિલ્હી-એનસીઆરને આ મેઈલ બુડાપેસ્ટથી મોકલવામાં આવ્યા હતા. હાલમાં દિલ્હી પોલીસ હંગેરિયન તપાસ એજન્સીઓના સંપર્કમાં છે. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું મેલ સર્વર mail.ru રશિયાનું હતું. પોલીસને ઈન્ટરપોલ દ્વારા રશિયાથી ઘણી માહિતી મળી હતી, જેના પછી ખબર પડી કે ધમકીભર્યા મેઈલનું આઈપી એડ્રેસ બુડાપેસ્ટનું હતું.

આ પણ વાંચો: કોલકાતા HCનો મમતા સરકારને ફટકો, 2010થી બનેલા 5 લાખ OBC પ્રમાણપત્રો રદ

ઈમેલ મળ્યા બાદ પોલીસે તમામ શાળાઓમાં જઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ ડોગ્સ અને બોમ્બ સ્ક્વોડ સાથે શાળાઓમાં પહોંચી હતી. બાદમાં ખબર પડી કે ધમકીભર્યો ઈમેલ નકલી હતો, જે બાદ પોલીસે પરિવારના સભ્યોને ગભરાશો નહીં તેવી અપીલ કરી હતી. બાદમાં તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી દેશના એરપોર્ટને પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ઈમેલ પણ નકલી હોવાનું જાણવા મળ્યું હતું.