December 19, 2024

ઋત્વિજ મકવાણાનો ડોર ટુ ડોર પ્રચાર, વેપારીઓ-દુકાનદારો સાથે મુલાકાત

વિજ્ય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ આજે શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી વેપારીઓ અને દુકાનદારો સાથે મુલાકાત કરી પ્રચાર કર્યો હતો.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ દિવસોમાં પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ મતદારો સુધી પહોંચી સંપર્ક હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ શહેરી વિસ્તારમાં પ્રચાર દ્વારા લોકસંપર્ક હાથ ધર્યો હતો. જેમાં શહેરની મધ્યમાં આવેલી મહેતા માર્કેટમાં તોપવાળા મેલડી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યારબાદ મહેતા માર્કેટમાં આવેલ તમામ હોલસેલ વેપારીઓને રૂબરૂ મળી પોતાને મત આપવા આહવાન કર્યું હતું.

તેમજ શહેરના મેઈન રોડ પર આવેલા દુકાનદારોનો પણ સંપર્ક કરી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. આ તકે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ ભાજપ સરકાર પર બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને પોતાની તેમજ કોંગ્રેસની જીત થશે. ખેડૂતોના પ્રશ્નો, યુવાનોને રોજગારી, તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી. તેમજ ક્ષત્રિય સમાજ અને તળપદા કોળી સમાજ દ્વારા ભાજપનો વિરોધ એકંદરે કોંગ્રેસને ફાયદો કરાવશે તેમ જણાવી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.