સુરતમાં પત્ની-પુત્રની હત્યા કરનારા સ્મિતે ફરી ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સુરતઃ સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનારા સ્મિતે ખાનગી હોસ્પિટલના ટોયલેટમાં ફરીવાર આપઘાતનો પ્રયાસ કર્યો છે. સ્મિતે ટોયલેટની બારીનો કાચ તોડીને ગળે માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસ જાપ્તા હેઠળ સ્મિતની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તેને ફરીવાર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે સ્મિતને ડિસ્ચાર્જ કરવામાં આવવાનો હતો. ત્યારે જેલમાં ન જવા માટે સ્મિતે નવો ખેલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે, સ્મિત પૂછપરછમાં પણ સહકાર આપતો નથી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્યા ટાવરમાં આ ઘટના બની હતી. જેમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. સ્મિત જિયાણી નામના વ્યક્તિએ ઘરનાં જ 4 સભ્યોની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ સ્મિતે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ ઘટનામાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે માતા-પિતા સહિત સ્મિતને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, પરિવારમાં અંદરોઅંદર મનદુઃખની બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે. આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.