શેર બજારમાં રોકાણ કરાવવાનું કહી 72 લાખની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ લોકોમાં શેર બજારમાં પૈસા રોકવાથી સારું વળતર મળશે તેવી વાતો હવે ખૂબ જ ચર્ચા રહી છે. ઘણા લોકો શેર બજારમાં રોકાણ કરીને સારું વળતર પણ મેળવી રહ્યા છે. પરંતુ કેટલાક ઈસમો લોકોને આ લાલચનો લાભ ઉઠાવીને તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હોય છે. ત્યારે સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા શેરબજારમાં કે પછી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારું વળતર આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં લોકો શેર બજારથી સારું વળતર મેળવવા માટે અલગ અલગ વેબસાઈટ પર જઈને નોલેજ મેળવતા હોય છે. ત્યારે કેટલીક વખત લોકોની આ લાલચનો લાભ ઉઠાવીને સાયબર ફ્રોડ કરનારા ઈસમો લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી હતી. તેમાં સુરતના એક વ્યક્તિ પાસેથી શેરબજારમાં સારું વળતર આપવાની લાલચે 72 લાખ 20 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હતી. છેતરાયા બાદ ફરિયાદી દ્વારા સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમ પોલીસે આ બાબતે ફરિયાદ દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતના એક વ્યક્તિને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક ઈસમો દ્વારા શેરબજાર તેમજ ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી લોભામણી વાતો કરવામાં આવી હતી. ત્યારબાદ whatsappમાં ફરિયાદીને એક લિંક મોકલવામાં આવી હતી. આ લીંક ઓપન કરી ફરિયાદી દ્વારા વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટના બહાને ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ 74 લાખ 17 હજાર 321 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીને 1,97,321 રૂપિયા વિડ્રો કરવા દીધા હતા. ફરિયાદીને આટલી નાની એવી રકમ કરવા દીધા બાદ અન્ય 72,20,000 ખાતામાંથી ઉપાડવા દીધા ન હતા અને અંતે ફરિયાદીને છેતરાયા હોવાનું ભાન થતાં તેમને સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને અમિતકુમાર કડિયા નામના ઇસમની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, અમિતકુમારના બેન્ક એકાઉન્ટમાં ફરિયાદી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને અમિતકુમાર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, તેને પોતાનું સીટી યુનિયન બેન્કનું એકાઉન્ટ 20 હજાર રૂપિયાના કમિશન ઉપર કેટલાક લોકોને ભાડે આપ્યું હતું. પોલીસે જ્યારે આ બેન્ક એકાઉન્ટની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, ફરિયાદીના 2,50,000 અમિતકુમારના સીટી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. આ ઉપરાંત અમિતકુમાર કડિયાના બેન્ક એકાઉન્ટમાં 23 મે 2024થી લઈ 30 જુન 2024 સુધીમાં 85,49,166 રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા. આ ઉપરાંત આરોપી અમિતકુમાર કડિયાના બેન્ક એકાઉન્ટ ઉપર સમગ્ર ભારતમાં સાયબર ક્રાઇમ પોર્ટલ પર 23 ફરિયાદો હોવાનું સામે આવ્યું.