January 1, 2025

સુરતમાં NEET મુદ્દે NSUIનો વિરોધ, પ્રદર્શનકારીઓની અટકાયત

અમિત રુપાપરા, સુરતઃ નીટની પરીક્ષામાં ગેરરીતે મુદ્દે એનએસયુઆઇ દ્વારા આજરોજ સુરતના પીપલોદ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વાર પાસે વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સફળ થાય તે પહેલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈ દેશભરમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ અને દેખાવ કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે સુરતમાં પણ NSUI દ્વારા ધરણા પ્રદર્શન અને પૂતળા દહનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જેથી અગાઉથી જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વાર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

જ્યાં ધરણા-પ્રદર્શન કરવા પહોંચેલા કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે નારેબાજી કરી ગેરરીતિ આચરનારાઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. NSUIના કાર્યકર્તાકઓએ જણાવ્યું હતું કે, વારંવાર પરીક્ષામાં થતી ગેરરીતિના કારણે વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, માતરમાં ‘મેઘકહેર’

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. જેના કારણે સરકારની છબી પણ ખરડાઈ રહી છે. જેથી દોષિતો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માગ છે. NSUIનો કાર્યક્રમ સફળ થાય તે પહેલાં જ તમામની પોલીસે અટકાયત કરી લીધી હતી. જ્યાં પૂતળા દહનનો કાર્યક્રમ પણ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.