May 20, 2024

મૌલવી 11 હિંદુ નેતાને ટાર્ગેટ બનાવવાનો હતો, હજુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

અમિત રુપાપરા, સુરતઃ શહેર ક્રાઈમ બ્રાન્ચે કામરેજ કઠોરના મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ કરી છે. તેમાં ઘણા મોટા અને ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હાલ આ મૌલવીની પૂછપરછ માટે દેશની ટોચની સુરક્ષામાં એજન્સીઓ જોડાઈ છે. તેની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ આ મૌલવીની પૂછપરછ કરી રહી છે. મૌલવીની હાલની પૂછપરછમાં તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમજ તેના સંપર્કોની યાદી બનાવી તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

કામરેજ કઠોરના મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ બાદ આજે તેના રિમાન્ડનો ચોથો દિવસ છે. આ દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે એનઆઈએ, CBI, એટીએસ, સેન્ટ્રલ આઇબી સહિતની ટિમો પૂછપરછમાં જોડાઈ છે. પોલીસ સૂત્રોની વાત માનીએ તો, મૌલવીની પૂછપરછમાં ઘણાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. બીજી તરફ મૌલવી અને તેની ટોળકીએ કુલ 11 જેટલા હિંદુ નેતાઓને ટાર્ગેટ કર્યા હોવાની પણ વાત સામે આવી છે. અલબત્ત સત્તાવાર રીતે પોલીસ આ દિશામાં કશું બોલવા તૈયાર નથી.

બીજી તરફ, સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, મૌલવીની પૂછપરછમાં ઘણી વિગતો સામે આવી રહી છે. આ તમામ વિગતોની અમે ક્રોસ વેરિફિકેશન કરી રહ્યા છીએ. આ ઉપરાંત મૌલવીના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે અથવા તો સોશિયલ મીડિયામાં કેટલો સક્રિય હતો, કોની સાથે સક્રિય હતો તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, મૌલવી સોશિયલ મીડિયામાં એક્ટિવ થતો હતો તેમાં તેનું લોગ ઇન લાઓસ નામના દેશનું બતાવ્યું હતું. આ ઉપરાંત નેપાળ અને વિયેતનામના પણ સંપર્કો પોલીસને મળી આવ્યા હતા. આ મૌલવી કઈ રીતે લોગ ઇન થતો હતો એ દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે.

આ ઉપરાંત મૌલવી જેની સાથે ભણતો હતો તે કઠોર, ખોલવડ અને કીમના અલગ અલગ મૌલવીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવી દ્વારા ગન મંગાવવામાં આવી હતી, તે આવવાની હતી કે પછી આવી ગઈ છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. એક કરોડની સોપારી કોને આપવાની હતી અને કઈ રીતે હિંદુ નેતાની હત્યાનું કાવતરું ઘડાયું હતું, તેને અંજામ આપવાનો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે. તો મૌલવીના ઘરેથી જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે તે તમામ ડોક્યુમેન્ટની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.