સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ, દીકરાએ પત્ની-પુત્ર, માતા-પિતાને છરીના ઘા માર્યા; બેનાં મોત
સુરતઃ શહેરમાં સામુહિક હત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. સરથાણામાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યાનો પ્રયાસ કરવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્યા ટાવરમાં આ ઘટના બની હતી. જેમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. સ્મિત જિયાણી નામના વ્યક્તિએ ઘરનાં જ 4 સભ્યોની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ સ્મિતે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.
આ ઘટનામાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે માતા-પિતા સહિત સ્મિતને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, પરિવારમાં અંદરોઅંદર મનદુઃખની બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે. આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.