December 19, 2024

હીરા ઉદ્યોગમાં સાતમ-આઠમનું વેકેશન, ડાયમંડ વર્કર યુનિયનની પગાર આપવા માગ

અમિત રુપાપરા, સુરતઃ શહેરનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખતે હીરા ઉદ્યોગમાં સાતમ-આઠમનું વેકેશન આપવામાં આવ્યું છે. 2008ની મંદીબાદ 2023-24ની જે મંદી આવી છે તેને લઈને રત્નકલાકારોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્નકલાકારો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. રત્ન કલાકારોને આર્થિક સંકટમાં મૂકાઈ ગયા છે. તો હીરા ઉદ્યોગમાં ઘણા કારખાનામાં સાતમ આઠમના 10 દિવસના વેકેશનના કારણે કામદારોની પરિસ્થિતિ વધુ કફોડી બને તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે સુરતમાં 200 કરતાં વધારે યુનિટો દ્વારા સાતમ આઠમનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

આ વેકેશનની આડમાં કેટલાક કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવાની ફરિયાદ પણ ડાયમંડ વર્કર યુનિયનને મળી રહી છે. ત્યારે આ જ પ્રકારે કામદારોને છૂટા કર્યા હવા બાબતે 20થી 25 કારીગરો દ્વારા ડાયમંડ વર્ક કરીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ બાબતે તપાસ કરવા માટે અને જે યુનિટોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યા છે તે યુનિટમાં કર્મચારીને વેકેશન પગાર આપવામાં આવે છે તે કેમ તેની તપાસ કરવા માટે ડેપ્યુટી લેબર કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે.

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં ઘણી કંપનીઓ તેમજ નાના મોટા કારખાના બંધ થયા છે અને કામ કરતા કર્મચારીને પગાર તેમજ મજૂર કાયદા હેઠળના લાભો અપાવવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. એટલા માટે જ હીરા ઉદ્યોગના કામદારોની ફરિયાદના નિવારણ માટે ઔદ્યોગિક સલામતી લેબર વિભાગ તેમજ સ્વાસ્થ્ય કચેરી સાથે સંકલન કરીને સ્પેશિયલ ડાયમંડ શેલની રચના કરવામાં આવી તેવી પણ રજૂઆત અમે કરી છે.

આ ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે અસંખ્ય કામદારો બેરોજગાર બન્યા છે અને કેટલાક રત્નકલાકારોએ આર્થિક સંકળામણમાં આવીને આપઘાત પણ કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રત્નકલાકારો માટે ઔદ્યોગિક સલામતી, લેબર વિભાગ તેમજ સ્વાસ્થ્ય વિભાગની કચેરી દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરી કામદારોનું કાઉન્સિલિંગ કરવાની પણ માગણી કરવામાં આવી છે.