વિદ્યાર્થીના આપઘાત મામલે NSUIના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં શર્ટ કાઢીને વિરોધ કર્યો
અમિત રૂપાપરા, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી શાળામાં ભણતી ધોરણ 8 ની વિદ્યાર્થીની દ્વારા ફીના ટોર્ચરને લઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં શાળા સામે કરત કાર્યવાહી થાય તેને લઈને યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસમાં જ શર્ટ કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો.
ભાવનાને ટોર્ચર કરવામાં આવતું
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી ધોરણ 8ની વિદ્યાર્થીની ભાવના ખટિક દ્વારા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા આક્ષેપ કરાયો હતો કે શાળા દ્વારા ફી બાબતે ભાવનાને ટોર્ચર કરવામાં આવતું હતું અને તેના જ કારણે તેને આપઘાતનું પગલું ભર્યું છે. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી. તો બીજી તરફ પોલીસ દ્વારા વિદ્યાર્થીનીના આપઘાતનું કારણ જાણવા અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
શિક્ષણ માફીયાઓ સામે કડક કાર્યવાહી
આ કેસમાં શાળાના સંચાલકોનો બચાવ શિક્ષણ અધિકારી તેમજ પોલીસ કરતી હોવાની શંકાને લઈને સુરત શહેર યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં NSUI તેમજ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ અધિકારીની સામે જ શર્ટ ઉતારીને જણાવવામાં આવ્યું હતું કે, તમે દીકરીને તો નથી બચાવી શક્યા પરંતુ હવે અમારી પાસે અમારી ઈજ્જત વધી છે. અમારી ઈજ્જત પણ લઈ લો પરંતુ ગુજરાતમાં હવે કોઈ દીકરી સાથે આવી ઘટના ન બને તે માટે શિક્ષણ માફીયાઓ સામે કડક કાર્યવાહી કરો.
કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી
શિક્ષણ અધિકારીની ઓફિસમાં જ NSUI તેમજ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શર્ટ કાઢીને વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને શિક્ષણ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે રજૂઆત અમને મળી છે તે રજૂઆત બાબતે અમે DEO સાહેબનું ધ્યાન દોરીશું અને શાળા બાબતે જે પણ તપાસ કરવામાં આવી છે તેનો તપાસ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વીરેન્દ્ર સેહવાગ અને આરતી અહલાવતના છૂટાછેડાની અફવા કેમ ઉડી?
વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી
ઉલ્લેખ છે કે ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક શાળામાં શિક્ષણ વિભાગની ટીમ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એવી પણ વિગતો સામે આવી હતી કે શાળામાં આચાર્ય તરીકે કોઈ વ્યક્તિ ફરજ જ નથી બજાવતા. શાળાના ટ્રસ્ટી દ્વારા પણ આચાર્ય કોણ છે તેનો કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી. તો બીજી તરફ શાળામાં ફાયર એકઝીટની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આ ઉપરાંત શાળા પાસે પોતાનું રમત ગમતનું ગ્રાઉન્ડ ન હોવાથી શાળા દ્વારા તમામ કાર્યક્રમો રસ્તા પર જ કરવામાં આવે છે. ઉપરાંત શાળામાં યુનિફોર્મ માટે એક દુકાન પણ ખોલવામાં આવી છે અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ શાળામાંથી જ ખરીદવો પડે છે અને મહત્વની વાત એ છે કે શાળા જે બિલ્ડિંગમાં ચાલી રહી છે તે બિલ્ડિંગ રેસીડેન્સીયલ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગમાં જે પ્રકારે વોશરૂમની વ્યવસ્થા હોવી જોઈએ વિદ્યાર્થીઓ માટે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી.