October 13, 2024

14 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો, બે લોકોની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ભાઠેના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની 14 વર્ષીય પુત્રીને 21 વર્ષીય કારીગરે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ કારખાને લાવી તરૂણી સાથે દુષ્કર્મ કરી આધેડ રૂમ પાર્ટનર પાસે અશ્લીલ હરકતનો વીડિયો શૂટ કરાવી લીધો હતો. જો કે, આધેડે તરૂણીની માસીને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા આ મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ આ મામલે પોલીસે બંને હવસખોરોની ધરપકડ કરી છે.

સુરતના ભાઠેના વિસ્તારમાં કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી વિધવા તેના બે સંતાનો સાથે રહે છે. દસ દિવસ પહેલાં મહિલાની બહેન તેને મળવા આવી અને બહેનની વાત સાંભળીને મહિલાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. મહિલાની બહેને જણાવ્યું હતું કે, ભાઠેના ઇન્ડસ્ટ્રીલ વિસ્તારમાં આવેલાં એક કારખાનામાં નોકરી કરતાં 21 વર્ષીય જીતુ રાણા સાથે તેની 14 વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વીડિયો ઉતારવામાં આવ્યો છે. આ વીડિયો જીતુ રાણાના આધેડ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં હોવાનું જણાવ્યું હતું.

બહેન દ્વારા મહિલાને કહેવામાં આવ્યું કે, પપ્પુએ જ આ વીડિયો બનાવીને સગીરાની માસીને બતાવ્યો હતો. આ મામલો ગંભીર હોવાથી મહિલાએ 14 વર્ષીય પુત્રીની પૂછપરછ કરી હતી. તરુણીએ જણાવ્યું હતું કે, એકાદ વર્ષથી તેને જીતુ રાણાએ પ્રેમમાં ફસાવી હતી અને તેને રૂમ ઉપર લઈ જઈ બળાત્કાર કરતો હતો. પોતાની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશ્લીલ વીડિયો મોબાઇલ ફોનમાં શૂટ કરી લીધો હતો. પપ્પુ ચૌધરીને આ વીડિયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતાં તેણે પોલીસ કેસ કરવામાં આવશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

દીકરીની વાત સાંભળીને માતા દ્વારા આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સલાબતપુરા પોલીસે આ બંને હવસખોરો વિરૂદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી છે. તે સાથે જ બંનેના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા છે. તો બીજી તરફ આ બંને ઈસમો એ વીડિયો કોઈને શેર કર્યો છે કે નહીં તે બાબતે પણ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે.