December 22, 2024

બાંગ્લાદેશથી ભાગેલા શેખ હસીના ભારત પહોંચ્યા, હવે જશે….

બાંગ્લાદેશ હિંસા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી પ્રદર્શનો એટલા ઉગ્ર બન્યા છે. પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપી દેવું પડ્યું હતું અને રાજીનામું આપવાની સાથે જ તેમણે ઢાકા છોડી દીધું હતું. થોડા સમય પહેલા કહેવાઈ રહ્યું હતું કે શેખ હસીના પોતાની બહેન સાથે ઢાકાથી  નીકળીને ભારત આવી શકે છે.

ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીનું સ્પેશિયલ એરક્રાફ્ટ ગાજિયાબાદ પાસે આવેલા હીંડન એર ફોર્સ સ્ટેશન ખાતે લેન્ડ થયું છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી હસીના ભારતમાં થોડો સમય રોકાણ કરીને લંડન જઈ શકે છે. જોકે હજૂ આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

બાંગ્લાદેશમાં ભીષણ વિરોધ પ્રદર્શન 
બાંગ્લાદેશમાં સરકાર વિરોધી પ્રદર્શન તેજ થઈ રહ્યું છે. આ દરમિયાન દેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના પુત્રએ સોમવારે દેશના સુરક્ષા દળોને આગ્રહ કરતાં કહ્યું છે કે કોઈને પણ સત્તા પર કબજો કરતાં અટકાવે. જણાવી દઈએ કે સેંકડો દેખાવકારો હસીનાના પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી રહ્યા છે.

બિનચૂંટાયેલી સરકારને સત્તામાં ન આવવા દો: સાજિદ વાજિદ જોય
અમેરિકામાં રહેતા શેખ હસીનાના દીકરા સાજિદ વાજિદ જોયે એક ફેસબુક પોસ્ટમાં સુરક્ષા દળોને કહ્યું, “તમારી જવાબદારી આપણા લોકો અને દેશને સુરક્ષિત રાખવાની અને બંધારણને જાળવી રાખવાની છે. આનો અર્થ એ છે કે કોઈ પણ બિનચૂંટાયેલી સરકાર એક મિનિટ માટે પણ સત્તામાં ન આવવી જોઈએ.” આ તમારી ફરજ છે. જોય હસીના સરકારના ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી સલાહકાર પણ છે.

જોખમમાં મુકાશે બાંગ્લાદેશની પ્રગતિ
જોયે ચેતવણી આપતા કહ્યું છે કે કે જો તેમણે મજબૂર કરવામાં આવ્યા તો બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી પ્રગતિ જોખમમાં મૂકાશે. આપણો વિકાસ અને પ્રગતિ બધું જ ગાયબ થઈ જશે. બાંગ્લાદેશ ત્યાંથી વાપસી નહીં કરી શકે. તેમણે કહ્યું, “હું નથી ઈચ્છતો કે આવું થાય અને મને ખબર છે કે તમે પણ આવું નહીં ઇચ્છતા. જ્યાં સુધી શક્ય હશે હું આમ નહિ થવા દઉં.”

સરકાર વિરોધી પ્રદર્શનમાં અંદાજિત 300 લોકોના મોત
બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, જુલાઈમાં હિંસા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 300 લોકોના મોત થયા છે. સરકારી નોકરીઓમાં અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન ગયા મહિને શરૂ થયું હતું. હિંસક વિરોધને કારણે 200 થી વધુ લોકોના મોત થયા હતા. જે બાદ પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી હતી.