સાબરકાંઠામાં વિદ્યાર્થિનીઓને આપવાની 5200 સાયકલ ભંગાર બની, તંત્ર ઘોર નિંદ્રામાં
ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સૂત્ર અંતર્ગત 2009થી લાખો કરોડો રૂપિયા ખર્ચી વિવિધ યોજનાઓ અમલી બનાવાય છે. છેલ્લા બે વર્ષથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં સારસ્વત સાયકલ યોજના ખાડે ગઈ હોય તેમ લાગે છે. હવે વિવિધ એજન્સીઓ દ્વારા સાયકલ યોજનાના લાભાર્થીઓને ભંગાર સાયકલ બારોબાર પધરાવાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ગુજરાત સહિત સાબરકાંઠામાં પણ ધોરણ આઠ પાસ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવનારી એસસી, એસટી અને ઓબીસી સમાજની તમામ દીકરીઓને મફતમાં સાયકલ આપવામાં આવતી હોય છે. તેના પગલે વિદ્યાર્થિનીઓ એક ગામથી બીજે ગામ તેમજ એક સ્કૂલથી નજીકના અંતરે આવેલી માધ્યમિક શાળામાં અભ્યાસ કરી શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા સાયકલ વિતરણ કરવામાં આવી રહી છે. આ સૂત્ર છેલ્લા બે વર્ષથી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
એકલા સાબરકાંઠામાં જ 5200થી વધારે સાયકલ છેલ્લા બે વર્ષથી ભંગાર બની રહી છે. સામાન્ય વિતરણ વ્યવસ્થાના અભાવના પગલે 5000થી વધુ સાયકલ ઉપર વિવિધ કચરા સહિત સમગ્ર ચોમાસાનો વરસાદ યથાવત્ રહેતા તમામ સાયકલો ભંગાર બની ચૂકી છે. જો કે, એજન્સીને નુકસાન ન જાય તે માટે વચગાળાના રસ્તા સમાન તમામ સાયકલોને રંગરોગાન કરી બારોબાર આપી દેવાની શરૂઆત કરતા સ્થાનિકોમાં ભારે રોષ સર્જાયો છે.
એક તરફ સાયકલોને રીપેર કરી જે-તે વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો બીજી તરફ હવે રાજ્ય સરકાર દ્વારા મફતમાં અપાતી સાયકલો ખાનગી સાઇકલ સ્ટોરમાંથી મળી આવતા મસમોટા કૌભાંડની પણ સંભાવનાઓ શરૂ થઈ છે. આ મામલે ભારે વિરોધ થતાં આગામી સમયમાં સાયકલ મામલે ઘમાસાણ થાય તેવી સંભાવનાઓ છે.
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં પ્રાથમિક શિક્ષણ વિનામૂલ્ય કરવામાં આવ્યું છે. આ સાથે ગરીબ કલ્યાણ થકી કેટલીય યોજનાઓ થકી કન્યા કેળવણી માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. જેમાં ધોરણ આઠ પાસ કર્યા બાદ ધોરણ નવમાં અભ્યાસ મેળવનારી દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મફત સાયકલ યોજના અમલી બનાવાય છે. તેનાથી સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ મામલે કોઈ ચોક્કસ પ્રયાસ ન કરાતા 2023-24ની ગરીબ કલ્યાણની સાયકલો આજેપણ ધૂળ ખાતી નજરે પડે છે. એકલા સાબરકાંઠા જિલ્લામાં 5200થી વધારે સાયકલ ખુલ્લામાં રહેવાના પગલે ભંગાર બની ચૂકે છે. તેમજ આ મામલે આગામી સમયમાં ચોક્કસ પગલાં ન લેવાય તો સ્થાનિક કક્ષાએ સાયકલ મેળવનારા અરજદારોમાં પણ ભારે નારાજગી સર્જાય તેમ છે.