October 5, 2024

પરિણામ આવ્યા બાદ આ શેર બે દિવસમાં 7.5% ઘટ્યો

બજેટ બાદ રેલ્વે શેર્સની તેજીને બ્રેક લાગી છે. સતત વેગવંતી તેજી બતાવનારા શેર્સમાં એકાએક ઘટાડો આવવાની શરૂઆત થઈ છે. જેમાંથી RITESના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ત્રીજા ત્રિમાસીકનો નફો 12% ઘટ્યો, જેથી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. આ પરિણામોમાં કંપનીની ઓર્ડરબૂકમાં વધારો જરૂર જોવા મળ્યો છે.

ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સલ્ટન્સી તથા એન્જીનિયરીંગ સાથે જોડાયેલ કંપનીના શેરમાં 2 ફેબ્રુઆરીના રોજ 650 સુધી ન્યૂનતમ સ્તર બનતા જોવા મળ્યા. 766ના ઉચ્ચતમ સ્તરથી આ વેચવાલી આવી છે. કંપનીની આવક 677 કરોડથી વાર્ષિક વધીને 683 કરોડ થઈ છે, પરંતુ નફો 148 કરોડથી ઘટીને 129 કરોડ પર આવી ગયો છે. સારી વાત એ ગણાશે કે કંપનીની કુલ ઓર્ડરબૂક વધીને 5496 કરોડ રૂપિયા પર આવી પહોંચી છે.

ત્રીજા ત્રિમાસીકમાં 612 કરોડ રૂપિયાના 100થી પણ વધુ ઓર્ડર મળ્યા છે. કંપનીના પરિણામ બાદના ઈન્ટરવ્યૂમાં RITESના ચેરમેન અને MD રાહુલ મિત્તલે કહ્યું હતું કે, કંપની આક્રમક વિકાસ હાંસલ કરવા પર ધ્યાન આપી રહી છે. આ સાથે કેપેસિટી વધારવા માટે ભારત સરકાર જે ખર્ચ કરવા માંગે છે તેનો પૂરો ફાયદો RITES ઉઠાવશે.

કંપનીએ ત્રીજા ત્રિમાસીક માટે ત્રીજું વચગાળાનું ડિવીડન્ડ પણ જાહેર કર્યું છે. પ્રતિશેર કંપની 4.75 રૂપિયા ડિવીડન્ડ ચુકવશે. જે માટે 114 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ માટે રેકોર્ડ ડેટ 9 ફેબ્રુઆરી 2024 જાહેર થઈ છે. મતલબ કે આ તારીખે બજાર બંધ થવા સમયે આ શેર આપના પોર્ટફોલિયોમાં હોય તો જ આપને આ ડિવીડન્ડનો લાભ મળશે.