December 29, 2024

મોરબીમાં મચ્છુ માતાજી મંદિરથી રથયાત્રા નીકળી, માલધારી સમાજના લોકો હુડો રમ્યાં

મોરબી: સમગ્ર દેશમાં અસાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે શહેરના મચ્છુ માતાજી મંદિરથી રથયાત્રામાં માલધારી સમાજના રબારી ભરવાડ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ સંસ્ક્રૃતિ મુજબ આગવી પોશાક પહેરી હુડો રમ્યા હતા અને મુખ્યમાર્ગો પર રથયાત્રા નીકળી હતી. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગર દરવાજા ચોકમાં જગન્નાથ રથયાત્રામાં વાજતે ગાજતે રબારી ભરવાડ ભાઈઓ રમ્યા હતા.

“કોટે મોર ટહુક્યા, વાદળે ચમકી વીજળી,
મારો રુદા રાણો સાયભળો, આવી અષાઢી બીજ”

ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું ખૂબ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે. જ્યારે વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે.

શ્રી જગન્નાથજીની રથયાત્રા
અષાઢ સુદ બીજ (અષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ. આ દિવસે અમદાવાદ, જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રા નિકળે છે. અમદાવાદમાં નિકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. જ્યારે ઓરીસ્સામાં જગન્નાથ (શ્રી કૃષ્ણ), બલરામ અને સુભદ્રા આ ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં બિરાજમાન કરી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે 3 કિ.મી. દૂર ગુડીયા મંદિરે લવાય છે. આ રથયાત્રા ભારતની તથા વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે.