December 24, 2024

બનાસકાંઠાના રામસણ ગામમાં વર્ષોથી હોળી પ્રગટાવાતી જ નથી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પવિત્ર હોળીનો તહેવાર સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો આ રંગોથી ભરેલા તહેવારની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે, પરંતુ ગુજરાતના બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામએ અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં 208 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા.

ગામમાં આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ હતી. ગામમાં આગ લાગી તેના ઘણા વર્ષો બાદ પણ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ફરી આ ગામમાં આગ લાગી હતી અને કેટલાક મકાનો પણ બળીને ખાખ થઇ ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે.

રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોના જણાવ્યા અનુસાર, 208 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઉઠે છે. આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું છે, ગામના કેટલાક લોકો બીજા ગામ જઈને હોળીને જોવે છે તો એમને પણ દુખ થાય છે કે અમારા ગામમાં કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી, તેથી હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે.

વર્ષો પહેલા પહેલા બનેલી ઘટનાથી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેવો આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી, પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે. જોકે, આ ગામ ફક્ત હોળીનો તહેવાર જ નથી ઉજવતું, પરંતુ ધુળેટીનો તહેવાર સમગ્ર ગામ એકત્ર થઈ ધામધૂમપૂર્વક ઉજવતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે.