December 21, 2024

ભાદર નદી પર 14 વર્ષમાં 5 વાર તૂટ્યો ‘ભ્રષ્ટાચાર’નો બ્રિજ, સ્થાનિકોમાં આક્રોશ

રાજકોટઃ જેતપુરની ભાદર નદી પર નેશનલ હાઈવેના પુલનો એકબાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થતાં પુલની એકબાજુનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. અહીંથી યાત્રાધામ સોમનાથ, વેરાવળ-પોરબંદર જેવા બંદરોએ અવરજવર અને જેતપુર શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો હોવાથી આ પુલ પરનો એકબાજુનો રસ્તો બંધ થતાં લાખો વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પુલ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં વારંવાર પુલની એક બાજુ ક્ષતિગ્રસ્ત થઈ જતી હોય તે પુલના કામમાં થયેલ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.

જેતપુરના નવાગઢ પાસે ભાદર નદી ઉપર આવેલો નેશનલ હાઇવેનો 270 મીટર લાંબો પુલ 14 વર્ષ પૂર્વે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકાર્પણના થોડા જ સમયમાં પુલની એકબાજુનું સસ્પેશન કામ કરવાનું બંધ કરી દેતા ભારે વાહનો પુલ ઉપરથી પસાર થાય તો ખૂબ જ મોટો અકસ્માત થવાની ભીતી સેવાવા લાગી હતી. જેથી હાઈવે ઓથોરિટી દ્વારા સલામતીના ભાગરૂપે વર્ષ 2016માં પુલની એકબાજુ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ હાઇવે ઓથોરિટી દ્વારા રિપેર કરતા થોડા મહિનામાં પુલ પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. પુલ નિર્માણમાં તો ભ્રષ્ટાચારની બૂમરાણ ઉઠી હતી. પરંતુ રીપેરીંગમાં પણ ભ્રષ્ટાચાર થતા પુલ 2019, 2020, 2021માં પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. દર વખતે રીપેરીંગ કરી પુલને ચાલુ કરવામાં આવતો હતો. ચાલુ વર્ષે પણ પુલનો રીપેરીંગવાળો જ એક બાજુનો ભાગ ઘણી જગ્યાએથી બેસી ગયો હોવાથી પાંચમીવાર પુલનો એક રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવેના આ પુલની એકબાજુ પર જ વાહન વ્યવહાર ચાલુ હોવાથી પુલની બંને બાજુએ વારેવારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. ભૂતકાળમાં પુલ પર કોઈ વાહન બંધ પડે તો પુલ પર બંને બાજુ પાંચ પાંચ કિમી સુધી વાહનોની કતારો લાગે તેવી પણ ભીતિ સર્જાય રહી છે. જેથી પુલ પરથી પસાર થતા વાહનચાલકો તેમજ જેતપુરના શહેરીજનો આ પુલને તાત્કાલિક ભ્રષ્ટાચાર કર્યા વગર રીપેર કરી ખુલ્લો મુકવામાં આવે તેવી હાઈ વે ઓથોરિટીને માગ કરી રહ્યા છે.