December 18, 2024

અમદાવાદમાં 22 kmના રુટ પર પોલીસે રિહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું હતું. 22 કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી.

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને પોલીસના ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના અધ્યક્ષતામાં રિહર્સલ થયું હતું. રથયાત્રાના રૂટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરક્ષાની સમીક્ષા કરાઈ હતી. રથયાત્રાના રૂટ પર રિહર્સલને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જમાલપુરમાં જગન્નાથ મંદિરથી મ્યુનિસિપલ કોર્પોરેશન, ઢાલની પોળ, કાલુપુર સર્કલથી સરસપુર રણછોડજીના મંદિર અને સંવેદનશીલ વિસ્તારમાં રિહર્સલ કરીને સુરક્ષાની સમીક્ષા કરી હતી.

સરદાર પટેલ સ્માર્ક ખાતે રથયાત્રા દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા અને ખોટા મેસેજ વાયરલ ન થાય અને કોમ્યુનલ વાયોલેશનથી બચવા ખાસ બ્રીફિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંચ્ચ અધિકારીથી લઇ તમામ અધિકારીઓને બંદોબસ્તને લઈ તમામ સૂચના આપવામાં આવી છે.

147મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસનો બંદોબસ્ત…

– DG થી DIG કક્ષાના 9 અધિકારી રહેશે તૈનાત.
– DCP થી SP કક્ષાના 38 અધિકારીઓ રહેશે તૈનાત.
– ACP કક્ષાના 89 અધિકારી રહેશે તૈનાત.
– 286 PI, 630 PSI, 12,600 કોન્સ્ટેબલ સહિતના રહેશે તૈનાત.
– SRPની 30 કંપનીનો રહેશે બંદોબસ્ત.
– CAPFની 11 જેમાં RAF ની 3, ITBPની 2, CISFની 2 અને BSFની 4 કંપનીઓ રહેશે.
– BDDSની 17 ટીમ રહેશે હાજર.
– ચેતક કમાન્ડોની 3 ટીમો, 70 માઉન્ટેડ પોલીસ રહેશે હાજર..
– 15 QRT ટીમ, 15 સ્નિફર ડોગ, 17 વ્રજ વાહન, 7 વોટર વરુણ રહેશે હાજર.
– 8 જેટલી કમાંન્ડ એન્ડ કન્ટ્રોલ વિહિકલ રહેશે હાજર.
– 11,000 અન્ય સહાયક દળના જવાનો રહેશે હાજર.
– રથયાત્રા બંદોબસ્તમાં કુલ 23,600 પોલીસ જવાનો રહેશે ખડેપગે.

147ની રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે ટેકનોલોજી સજ્જ રહેશે. ટ્રેથડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી સુરક્ષાનું સર્વેલન્સ કરવામાં આવશે.