December 23, 2024

PM મોદીએ સેલા ટનલનું કર્યું ઉદ્ઘાટન, ‘પૂર્વોત્તરના વિકાસ માટે અમારું વિઝન અષ્ટલક્ષ્મી હતું’

Pm Modi will Inaugrated Sela Tunnel: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા છે. ઈટાનગરમાં અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પીએમ મોદીને ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ અહીં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય પીએમ મોદીએ નોર્થ ઈસ્ટમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સેલા ટનલ શું છે?
સેલા ટનલ એ વિશ્વની સૌથી વધુ ઊંચાઈ (13000 ફીટ) પર બનેલી સૌથી લાંબી ટનલ છે. આ ડબલ લેન ઓલ-વેધર ટનલ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામિંગ અને તવાંગ જિલ્લાઓને જોડશે. LAC સુધી પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે. નોંધનીય છે કે અરુણાચલ પ્રદેશ બાદ વડાપ્રધાન બપોરે જોરહાટ પરત ફરશે અને હોલોંગાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.

ઉદ્ઘાટન બાદ પીએમ મોદીનું સંબોધન
સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ ત્યાં લોકોને સંબોધિત કર્યા હતા.પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, ‘સમગ્ર દેશમાં વિકસિત રાજ્યમાંથી વિકસિત ભારતમાં પરિવર્તનની રાષ્ટ્રીય ઉજવણી ઝડપી ગતિએ ચાલુ છે. આજે મને વિકસિત ઉત્તર-પૂર્વની આ ઉજવણીમાં પૂર્વત્તરના તમામ રાજ્યોની સાથે મળીને ભાગ લેવાની તક મળી છે.’ વધુમાં પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે તેમણે ‘ઉત્તર-પૂર્વના વિકાસ માટે અમારું વિઝન અષ્ટલક્ષ્મી રહ્યું છે.આપણું ઉત્તર પૂર્વ દક્ષિણ અને પૂર્વ એશિયા સાથે ભારતના વેપાર, પ્રવાસન અને અન્ય સંબંધોમાં મજબૂત કડી બનવા જઈ રહ્યું છે.આજે અહીં 55 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આજે અરુણાચલ પ્રદેશના 35 હજાર ગરીબ પરિવારોને તેમના કાયમી મકાનો મળી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના હજારો પરિવારોને નળ કનેક્શન મળ્યા છે. ઉત્તર-પૂર્વના વિવિધ રાજ્યોમાં કનેક્ટિવિટી સંબંધિત અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટન થઈ રહ્યા છે. બીજી બાજુ પીએમ મોદીએ કોંગ્રેસ પ્રહાર કરતાં કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં અમે નોર્થ-ઈસ્ટના વિકાસ પર જેટલું રોકાણ અને કામ કર્યું છે. કોંગ્રેસને આટલું કામ કરવામાં 20 વર્ષ લાગે છે.

મિશન પામ ઓઈલ ખાદ્ય તેલના મામલે ભારતને આત્મનિર્ભર બનાવશે
પીએમ મોદીએ કહ્યું કે પૂર્વોત્તરને ધ્યાનમાં રાખીને અમારી સરકારે ખાસ કરીને ‘મિશન પામ ઓઈલ’ શરૂ કર્યું છે. આ મિશન અંતર્ગત આજે પ્રથમ ઓઈલ મિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.આ મિશન ભારતને ખાદ્યતેલના મામલે આત્મનિર્ભર તો બનાવશે જ પરંતુ અહીંના ખેડૂતોની આવકમાં પણ વધારો કરશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ‘મોદીની ગેરંટી શું છે, જ્યારે તમે અરુણાચલમાં આવો ત્યારે તમને સ્પષ્ટપણે દેખાય છે.’ મોદીની ગેરંટી કેવી રીતે કામ કરે છે તેના પર સમગ્ર પૂર્વોત્તર નજર છે. આઝાદી બાદથી 2014 સુધી પૂર્વોત્તરમાં 10 હજાર કિમી નેશનલ હાઇવે બનાવવામાં આવ્યા હતા.જ્યારે છેલ્લા 10 વર્ષમાં 6 હજાર કિમીથી વધુ નેશનલ હાઇવે બનાવવામાં આવ્યા છે. જેટલું કામ 7 દાયકામાં થયું, એટલું કામ અમે લગભગ 1 દાયકામાં કરી દીધું છે. વધુમાં પ્રહાર કરતાં કહ્યું કે ગાળો આપનારાઓ ધ્યાનથી સાંભળો, અરુણાચલના પહાડોમાં રહેતો દરેક પરિવાર કહી રહ્યો છે કે આ મોદીનો પરિવાર છે. નોંધનીય છે કે અરુણાચલ પ્રદેશ બાદ વડાપ્રધાન બપોરે જોરહાટ પરત ફરશે અને હોલોંગાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.