મારો વોર્ડ – મારી સમસ્યા: લુણાવાડા નગરપાલિકાની ચૂંટણી પહેલા લોકોનો આક્રોશ, નથી મળી રહી પાલીકાની સુવિધા
મૃગરાજસિંહ પુવાર, મહિસાગર: લુણાવાડામાં મુખ્ય સમસ્યા ટ્રાફિકની છે, નગરના ફરતે તમામ જગ્યાએ પાર્કિંગની સુવિધાનું અભાવ જેને લઇ લોકોને નગરમાં ગાડી લઈ જતા તેમજ મૂકવામાં અગવડતા રહે છે. લુણાવાડાના મધવાસ દરવાજાથી ચારકોશિયા તરફના રોડ પર ગંદકી, ઐતિહાસિક તળાવની જાળવણી જેવી સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા નગરજનોએ વિવિધ સમસ્યાઓને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. શહેરમાં દિવસે દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્યા, ગંદકીથી લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે.
નગરજનોના જણાવ્યા મુજબ મધવાસ દરવાજાથી ચારકોસિયા નાકા સુધીના રસ્તા પર ગંદકી જોવા મળે છે. જેથી ત્યાં કન્ટેનર મૂકવામાં આવે અને રોજ સાફ-સફાઈ થાય આજ માર્ગ પર બગીચો પણ આવેલો છે તે બગીચાનું જાળવણી થાય અને સાફ-સફાઈ કરવામાં આવે જેથી નાના ભૂલકાઓ અને ઉંમરલાયક વ્યક્તિઓ ત્યાં આવી બેસી શકે છે. લુણાવાડામાં સ્લમવિસ્તારના વોર્ડ 1, 2 તેમજ 3માં અનેક સમસ્યાઓ છે. એકતા શાંતિનગર, ખોડીયાર માતાના મંદિરના પાસેનો વિસ્તાર તથા રાવળ વાસનો ટેકરો જેવા વિસ્તારમાં હજી સુધી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જે છેવાળાના માનવી સુધી સુવિધાઓ પહોંચવી જોઈએ તે હજુ પહોંચી શકી નથી.
નવનિયુક્ત સભ્યો જે ચૂંટાઇને આવે તે પ્રજાની મુલાકાત લઇ જે વિસ્તારમાં સુવિધાઓ નથી મળી તેમને સુવિધાઓ પૂરી પાડે તેવી લોકોની માગ છે. આ ઉપરાંત શહેરના ઐતિહાસિક તળાવમાં ગંદકી અને થયેલા ગેરકાયદે દબાણો દૂર કરી તેનું સૌંદર્ટીકરણ કરવાની માગ પણ ઉઠી છે. આગામી ચૂંટણીમાં લોકો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માંગે છે.