સાબરકાંઠાના સુરેશ સોનીને સમાજ કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કાર
Padma Award: સુરેશ સોની વર્ષ 1988માં સાબરકાંઠામાં સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક છે. 36 વર્ષથી વધુ સમય રક્તપિત્ત દર્દીઓ, બૌદ્ધિક રીતે અપંગ અને દિવ્યાંગ-જનની સંભાળ, કલ્યાણ અને પુનર્વસન માટે સમર્પિત – રક્તપિત્તથી પીડિત લોકો માટે ‘સહયોગ’ નામનું ગામ સ્થાપિત કર્યું અને દિવ્યાંગજન અને બૌદ્ધિક રીતે અપંગોને આશ્રય પણ આપ્યો. ભારત સરકાર દ્વારા તેમને સમાજ કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સહયોગ ગામ હાલમાં અનેક દર્દીઓનું ઘર છે અને તેમાં ચૂંટણી મથક, પ્રાથમિક શાળા, કરિયાણાની દુકાન જેવી સુવિધાઓ છે. પરિવાર અને સમાજ દ્વારા ત્યજી દેવાયેલા અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા વર્ગોની સંભાળ રાખવામાં આવે છે.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી શામળાજી જવાના માર્ગ પર રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટનું નાનકડું ગામ જેવું જોવા મળશે. ભારતભરમાંથી આવેલા કુષ્ઠરોગ એટલે કે જેને આપણે રક્તપિત્ત રોગથી જાણીએ છીએ એ રોગના દરદીઓની અહીં સેવા અને સારવાર કરવામાં આવે છે. જોકે અહીં હવે માત્ર કુષ્ઠરોગ જ નહીં; મંદ બુદ્ધિવાળા, HIV દર્દી, ફિઝિકલી હૅન્ડિકૅપ્ડ, પ્રજ્ઞાચક્ષુઓ સહિત જેમનું કોઈ નથી તેમના માટે દરવાજા ખુલ્લા છે. અહીં તેમની દેખભાળ કરવામાં આવે છે જેના કારણે આજે આ ‘સહયોગ’ ગામમાં નાના-મોટા થઈને 900થી વધુ લોકો રહે છે.
કુષ્ઠરોગીઓ અને દિવ્યાંગજનો માટે સુરેશ સોનીએ અને ઇન્દિરા સોનીએ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. એક સમય હતો જ્યારે કુષ્ઠરોગીઓ સામે તિરસ્કારભરી નજરે લોકો જોતા અને તેમની પાસે જવામાં ડર લાગતો. એવા સમયે આ દંપતીએ રક્તપિત્તના દરદીઓ પાસે સામેથી જઈને તેમની સારવાર કરી, પોતાની પાસે રાખીને તેમને આત્મસન્માનિત બનાવ્યા, કામ આપ્યું અને અંધકારભર્યા જીવનમાંથી જીવન જીવવાનો નવેસરથી રસ્તો બતાવ્યો. એના કારણે આજે હજારો કુષ્ઠરોગના દરદીઓ સાજા થયા છે અને આત્મસન્માન સાથે જીવન જીવી રહ્યા છે.