February 2, 2025

વધુ એક મોસ્ટ વોન્ટેડ આરોપી જોગીન્દર ગ્યોંગની ધરપકડ, ફિલિપાઇન્સથી ભારત મોકલવામાં આવ્યો

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસના સ્પેશિયલ સેલે સંયુક્ત ઓપરેશનમાં ગેંગસ્ટર જોગીન્દર ગ્યોંગની ધરપકડ કરી છે. જોગીન્દરને ફિલિપાઈન્સથી ભારત મોકલી દેવામાં આવ્યો છે. તે લાંબા સમયથી વિદેશમાં બેસીને ગુનાઓ આચરતો હતો. જોગીન્દર કુખ્યાત ગેંગસ્ટર છે. તેને 15 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેના પર 5 હત્યાનો પણ આરોપ પણ છે.

જોગીન્દર ગ્યોંગ ઉર્ફે જોગા ડોન હરિયાણાના કૈથલ જિલ્લાના ગ્યોંગ ગામનો કુખ્યાત ગુનેગાર છે. તેની સામે હરિયાણા, પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હત્યા અને ખંડણીના કેસ નોંધાયેલા છે. તેની સામે હરિયાણાના કૈથલમાં 16 કેસ નોંધાયેલા છે. કહેવાય છે કે તે હરિયાણા પોલીસની વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. ડિસેમ્બર 2017માં પાણીપતમાં નિવૃત્તિ પાર્ટી દરમિયાન જયદેવ નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી કૈથલ પોલીસે તેની સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

આ પછી ગયા વર્ષે જુલાઈમાં ફિલિપાઈન્સના ઈમિગ્રેશન બ્યુરો દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી તેને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ભારતમાં પોલીસે તેની ધરપકડ પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જોગીન્દર એ સમયે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે કોંગ્રેસ નેતા અને સાંસદ રણદીપ સુરજેવાલાને ધમકી આપી હતી. આ સિવાય તેણે બિહારના આરજેડી સાંસદ સંજય યાદવ પાસેથી 20 કરોડ રૂપિયાની ખંડણીની પણ માગણી કરી હતી.

જોગીન્દરનો મોટો ભાઈ સુરેન્દ્ર ગ્યોંગ 2018માં કરનાલના રાહડા ગામમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ પછી જોગીન્દરે તેના ભાઈના મોતનો બદલો લેવા માટે કરનાલના જયદેવ શર્માની હત્યા કરી હતી. ફિલિપાઈન્સ પહેલા તે આફ્રિકા ભાગી ગયો હતો. 2006માં તેણે કૈથલના એક બિઝનેસમેન નરેન્દ્ર અરોરાની હત્યા કરી હતી. આ પછી તે દક્ષિણ આફ્રિકા ભાગી ગયો હતો, જ્યાંથી તેની ધરપકડ કરીને 2007માં ભારત લાવવામાં આવ્યો હતો.