June 16, 2024

આત્મઘાતી હુમલો કરવા આવેલા 4 આતંકીઓની તપાસમાં થયા મોટા ખુલાસા

મિહિર સોની, અમદાવાદ: આત્મઘાતી હુમલો કરવા આવેલા ચાર આતંકીઓની તપાસમાં ખુલાસા સામે આવ્યા છે. પકડાયેલ આતંકીઓમાંથી 2 આતંકીઓ 40 વખત ભારતમાં આવ્યા છે. ડ્રગ્સ અને સોનાની દાણચોરી કરતા હોવાનો થયો ખુલાસો કર્યો છે. આતંકીઓ સોશિયલ મીડિયાના ટેલિગ્રામમાં કટ્ટરવાદી ગ્રૂપમાં પાકિસ્તાન હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હોવાનું ખુલ્યું. ગુજરાત ATSએ હથિયારની વ્યવસ્થા કરનાર સ્લીપર સેલની શોધખોળ શરૂ કરી.

એરપોર્ટથી પકડાયેલા ચાર આતંકીઓની પૂછપરછમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ આતંકીઓમાંથી મોહમદ નુસરથ અને મોહમદ નફરાન 38થી 40 વખત ભારત આવી ચૂક્યા છે. ગુજરાત ATSએ 19 મે 2024ની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવેલા ચાર આતંકવાદીને ઝડપી લીધા હતા. ત્યાર બાદ ચારેય આતંકીને 20 મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ATSને આ આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોનમાંથી તમિલ ભાષામાં બનેલો એક વીડિયો મળી આવ્યો છે. આ વીડિયોમાં ચારેય આતંકી મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસ સાથે ઊભા છે તેમજ પાકિસ્તાનમા બેઠેલો તેનો આકા અને ISISનો હેન્ડલર એવો અબુ બ્રેઇન વોશ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડિઓ બનાવ્યા બાદ આતંકીઓ આંતક ફેલાવવા આત્મઘાતી હુમલો કરવા નીકળ્યા હતા.

ATS દ્વારા આતંકીઓના મોબાઈલમાં મળી આવેલા પ્રોટોન મેઈલ અને સિગ્નલ એપ્લિકેશનની FSLની મદદથી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આતંકીઓના ઓરિજિનલ નંબર મેળવવા પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ATSની તપાસમાં આતંકીઓ ડ્રગ્સ અને ગોલ્ડ દાણચોરીના ગુનામાં પકડાયા હોવાનું ખુલ્યું છે. આતંકી નુસરથ મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયો છે અને શ્રીલંકામાં મારામારી તથા ડ્રગ્સના કેસમાં પણ પકડાયો હતો. જ્યારે મોહમ્મદ ફારિસની પણ શ્રીલંકામાં ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. નફરાન નામનો આતંકી અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ કરતો હોવાનું પુછપરછમાં જણાવ્યું છે. જ્યારે રસદીન સામે શ્રીલંકામાં ચોરી અને ડ્રગ્સના ગુના નોંધાયા છે. આ ચારેય આતંકી ISISમાં જોડાયા બાદ પહેલી વખત ગુજરાતમાં આવ્યા હતાં. હાલમાં ATS દ્વારા તેમનો ટાર્ગેટ કોણ હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે આ ચારેય આતંકીઓએ અમદાવાદ આવ્યા બાદ એક સામાન્ય હોટેલમાં રોકાવાનું નક્કી કર્યું હતું. તેમને જ્યાંથી હથિયાર મળવાના હતાં તે હથિયાર મળ્યા બાદ તેમના પ્લાનને લઈને તપાસ શરૂ કરાઇ છે. જે જગ્યાએ હથિયાર મુકાયા હતાં તેનું લોકલ કનેક્શન અને ટોલટેક્સથી લઈને મોબાઈલના ડેટાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ ચારેય આતંકીઓએ આત્મઘાતી હૂમલો કરવાની શપથ લેતો વીડિયો બનાવ્યો હતો તેને લઈને ATS વધુ પૂછપરછ શરૂ કરી છે..