December 24, 2024

હિંમતનગર: 42 ગોળ પ્રજાપતિ સમાજની દીકરીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ

હિંમતનગર: 42 ગોળ પ્રજાપતિ સમાજની દીકરીએ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે. હિંમતનગરમાં N & K પંડ્યા હિંમત હાઈસ્કૂલ ઘોરણ 10માં અભ્યાસ કરતી કાવ્યા કમલેશભાઈ પ્રજાપતિએ ગુજરાત કક્ષાએ યોજાયેલ “મહાવીર સ્વામી ભગવાનના જીવન ચરિત્ર” નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબરે રહી પરિવાર તથા સમાજનું નામ રાજ્ય કક્ષાએ ગુંજતું કર્યું છે. આ સ્પર્ધા બાદ જૈન સમુદાયના વિદ્વાન આચાર્યશ્રીના અધ્યક્ષ સ્થાનેથી કાવ્યા પ્રજાપતિને રૂ. 5,00,000નું ઈનામ આપવામાં આવ્યું હતું.

નિબંધ લેખન સ્પર્ધામાં કાવ્યા પ્રજાપતિએ જૈન સમાજના મહાવીર સ્વામી ભગવાનના જીવન અને ઉપદેશો વિષે વિસ્તાર પૂર્વક માહિતી લખી હતી. ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશોના નિબંઘના શરૂઆતમાં જ કાવ્યાએ લખ્યું હતું કે, પ્રભુપરિચયની આ યાત્રા પ્રભુપ્રીતિ અને પ્રભુપરિણતિ સુધી વિસ્તરે એવી ભાવના રાખું છું. જે ભગવાને ઉપદેશ આપતા પૂર્વે સ્વયં જીવન જીવીને બતાવ્યું તેવા પ્રભુવીરનું ચરિત્ર લખું છું. નિબંધ સમાપ્ત થયા બાદ કાવ્યાએ લખ્યું કે, જાણતાં કે અજાણતાં, વિચારમાં, શબ્દ દ્વારા જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાઈ ગયું હોય તો હૃદયપૂર્વક, “મિચ્છામિ દુક્કડમ્” આજના સમયમાં બાળકો હોમવર્ક અને અભ્યાસની સાથે સાથે નિબંધ સ્પર્ધામાં પોતાનું ટેલેન્ટ બતાવે તે પ્રશંસનીય છે.