October 11, 2024

મંદિરો પર ટેક્સ લાદવાની યોજનાને ફટકો, BJP-JDSના વિરોધ બાદ અટવાયું બિલ

બેંગલુરુ: કર્ણાટકની કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે કર્ણાટક સરકાર દ્વારા લાવવામાં આવેલ ‘હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (એમેન્ડમેન્ટ) બિલ’ વિધાનસભામાં રજૂ કર્યું હતું. જોકે આ બિલ વિધાનસભા દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. વિધાનસભામાં વિરોધ પક્ષો ભાજપ અને જેડીએસે આ બિલનો વિરોધ કર્યો હતો. વિપક્ષ પાસે વિધાનસભામાં બહુમતી છે, તેથી વિરોધના કારણે આ બિલ વિધાનસભામાં પસાર થતાં અટકી ગયું છે, નોંધનીય છે કે ‘ટેમ્પલ બિલ’ ગયા અઠવાડિયે જ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને શુક્રવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

બિલમાં શું છે જોગવાઈઓ
બિલમાં એવી જોગવાઈ છે કે રાજ્યના મંદિરો જેની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની હોય છે તેના પર પાંચ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ છે. જે મંદિરોની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે તેના પર 10 ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ છે. મંદિરોની કમાણીમાંથી મળતું ભંડોળ એક કોમન પૂલ ફંડમાં રાખવાની જોગવાઈ છે, જેનું સંચાલન રાજ્ય સરકાર ધાર્મિક પરિષદ દ્વારા કરવામાં આવશે. વધુમાં બિલમાં કહેવામાં આવ્યું છે કે આ ભંડોળનો ઉપયોગ રાજ્યના ‘C’ કેટેગરીના મંદિરોના પૂજારીઓના કલ્યાણ માટે કરવામાં આવશે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે.

‘મંદિરો પર ટેક્સ લગાવીને સરકાર પોતાની તિજોરી ભરવાનો પ્રયાસ કરી રહી છે’
ભાજપ અને જેડીએસનો આરોપ છે કે સરકાર મંદિરો પર ટેક્સ લગાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. વિપક્ષના મતે સરકારે ઓછી કમાણી કરતા મંદિરના પૂજારીઓના કલ્યાણ માટે બજેટમાં અલગ ફંડની જોગવાઈ કરવી જોઈએ. બીજી બાજુ કોંગ્રેસ સરકારનું કહેવું છે કે વર્ષ 2011માં ભાજપ સરકાર પણ આવું જ એક બિલ લાવી હતી, જેમાં મંદિરોની 5 થી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ અને 10 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા મંદિરો પર 10 ટકા ટેક્સ લાદવાની જોગવાઈ હતી. સરકારની દલીલ છે કે વર્તમાન બિલમાં ઓછો ટેક્સ લાદવામાં આવ્યો છે. વર્તમાન બિલમાં એવી જોગવાઈઓ પણ છે કે સરકાર દ્વારા નિયંત્રિત મંદિરોની સમિતિના અધ્યક્ષ સરકાર નિયુક્ત કરશે. વિપક્ષે પણ આનો વિરોધ કર્યો હતો. વિપક્ષના વિરોધ પર, સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ દાવો કર્યો હતો કે સરકાર મંદિર સમિતિના અધ્યક્ષની નિમણૂકમાં દખલ નહીં કરે અને મંદિરોમાંથી એકત્ર કરાયેલા ટેક્સને ઘટાડવા પર પણ વિચાર કરશે. જોકે, વિપક્ષ આનાથી સંતુષ્ટ નહોતા અને બિલ પસાર થઈ શક્યું ન હતું.