છેડતી કરતા રોમિયો સામે રણચંડી બની યુવતી, પોલીસ સ્ટેશન પરિસરમાં જ કરી તમાચાવાડી
અમિત રૂપાપરા સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકને યુવતીઓની છેડતી કરવી ભારે પડી. આ રોમિયોએ યુવતીઓ સામે અભદ્ર ટિપ્પણી કરીને તેમની છેડતી કરી હતી. જો કે યુવતીઓએ રોષે ભરાઈને રોમિયોને રસ્તા વચ્ચે જ પાઠ ભણાવ્યો હતો. રણચંડી બનેલી યુવતીઓએ આ રોમિયોને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ સાવરણા તેમજ લાત અને ઘુસાથી મેથીપાક ચખાડ્યો હતો. અંતે આ રોમિયોને પોલીસના હવાલે કરી દીધો હતો.
રોમિયોને પાઠ ભણાવ્યો
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પી પી સવાણી હોસ્પિટલ પાસે ત્રણ યુવતીઓએ સાથે મળીને છેડતી કરનાર રોમિયોને પાઠ ભણાવ્યો હતો. આ રોમિયો દ્વારા યુવતીઓને છેલ્લા ત્રણ દિવસથી પરેશાન કરવામાં આવતી હતી. જ્યારે યુવતીઓ કાપોદ્રા ડીજીવીસીએલ ઓફિસ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે આ રોમિયો બાઈક લઈને યુવતીઓની નજીકથી પસાર થયો હતો અને અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરી હતી. તેથી યુવતીઓ શરમમાં મુકાઈ ગઈ તો કે સોમવારે પણ ફરીથી આવું જ થતા યુવતીઓ દ્વારા આ રોમિયોને પાઠ ભણાવવામાં આવ્યો હતો. અને રસ્તા વચ્ચે જ ઉભો રાખીને રોમિયોને પોતાની ભૂલનું ભાન કરાવ્યું હતું.
આ પણ વાંચો:આપા ગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો, કડિયા સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
યુવતીઓની ફરિયાદ લેવામાં આવી
ત્રણેય યુવતીઓ દ્વારા રોમિયોને રસ્તા પર જ માર મારવામાં આવ્યો હતો. આ પ્રકારનું કૃત્ય ભવિષ્યમાં તે ક્યારેય ન કરે અને યુવતીઓ સામે ખરાબ નજરે ન જોવે તેવા હેતુથી રોમિયોને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. જોકે આ યુવતીઓ રોમિયો પર એટલી રોષે ભરાઈ હતી કે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ સાવરણા અને લાત ઘુસાથી રોમિયોની ધોલાઈ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા યુવતીઓની ફરિયાદ લેવામાં આવી છે અને રોમિયોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.