December 22, 2024

પહેલા આ દેશે ભારત સાથે ખરાબ કર્યા સંબંધ, હવે પોતાની જ જનતાએ આપ્યો ઝટકો

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયું છે. હવે કેનેડાના લોકોએ પણ ટ્રુડોથી અંતર રાખવાનું શરૂ કર્યું છે. સેન્ટ પોલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ટોરોન્ટો-સેન્ટ પોલ સીટ લાંબા સમયથી લિબરલ પાર્ટીનો ગઢ માનવામાં આવતી હતી.

મંગળવારે, કન્ઝર્વેટિવ ઉમેદવાર ડોન સ્ટુઅર્ટે 42 ટકા વોટ મેળવીને સેન્ટ પોલ સીટ કબજે કરી હતી. જ્યારે લિબરલ પાર્ટીના લેસ્લી ચર્ચને લગભગ 40 ટકા વોટ મળ્યા હતા. લેસ્લી ચર્ચ ભૂતપૂર્વ સંસદ હિલ સ્ટાફ અને વકીલ છે. તેમજ લિબરલ પાર્ટીના લાંબા સમયથી સહયોગી છે.

30 વર્ષમાં પ્રથમ વખત હાર
ટોરોન્ટો-સેન્ટ પોલ સીટ 30 વર્ષથી વધુ સમયથી લિબરલ્સ પાસે હતી. પાર્ટીનો સૌથી ખરાબ તબક્કો 2011માં આવ્યો જ્યારે ચૂંટણીમાં માત્ર 34 લિબરલ સાંસદ સંસદમાં પહોંચ્યા. આ સમયે પણ આ સીટ લિબરલ્સ પાસે રહી. 2021ની ચૂંટણીમાં લિબરલ પાર્ટીના ઉમેદવારે 49 ટકા મતો સાથે ટોરોન્ટો-સેન્ટ પોલ સીટ જીતી હતી. હાલમાં હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ પાર્ટી પાસે 338માંથી 155 સીટો છે.

આ પણ વાંચો: આ દેશમાં પહેલી વખત માણસને આપવામાં આવશે બર્ડ ફ્લૂની વેક્સિન

ટ્રુડો અને તેમની સરકારને આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા આ મોટો ફટકો પડ્યો છે. લિબરલ પાર્ટીની હાર છતાં ટ્રુડોએ આગામી વર્ષની ચૂંટણીમાં લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવાની અને જાહેર સમસ્યાઓના ઉકેલ માટે સખત મહેનત કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

પીએમ પાસે તાત્કાલિક ચૂંટણી કરાવવાની માંગ
ટ્રુડોના મુખ્ય હરીફ અને કન્ઝર્વેટિવ નેતા પિયર પોઈલીવરે પરિણામો પર પ્રતિક્રિયા આપતા પીએમ ટ્રુડો પાસે વહેલી ચૂંટણી યોજવાની માંગ કરી છે. “આ ચુકાદો છે: ટ્રુડો આ રીતે ચાલુ રાખી શકતા નથી…તેમણે હવે કાર્બન ટેક્સ પર ચૂંટણી યોજવી જોઈએ”

કન્ઝર્વેટિવ પાર્ટીએ લિબરલ પાર્ટીના નબળા આર્થિક રેકોર્ડ સામે ઝુંબેશ શરૂ કરી છે. આ સાથે જ પાર્ટીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર પણ ટ્રુડોને ઘેર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ ટ્રુડો પ્રશાસન પર ઈઝરાયેલ પ્રત્યે નરમ હોવાનો આરોપ લગાવ્યો છે. જેઓ જિલ્લાની લગભગ 11 ટકા યહૂદી વસ્તીનું સમર્થન જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.