જૂનાગઢ તોડકાંડ મામલો, ગુજરાત ATSએ વધુ એક આરોપીની ધરપકડ કરી
અમદાવાદઃ જૂનાગઢ તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ATSએ આ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સસ્પેન્ડેડ પીઆઈ તરલને મદદ કરનારા દીપ શાહની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATSએ આરોપી દીપ શાહને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી દીપ શાહ તરલ ભટ્ટનો મિત્ર અને કૌભાંડોના સાક્ષી તથા ભાગીદાર હતો. દીપ તરલ ભટ્ટને બેન્ક એકાઉન્ટની ડિટેઇલ્સ આપતો હતો. ફ્રીઝ કરેલા બેંક એકાઉન્ટ પાસે પૈસા પડાવવામાં દીપ શાહની સંડોવણી સામે આવી હતી.
દીપના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી બે ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. દીપે 38 લાખ રૂપિયા પડાવ્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ દીપ શાહ સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તરલ ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ત્યારબાદ દીપ શાહ અને તરલ સાથે ભાગ્યા હતા.
PI તરલ ભટ્ટનું નામ પહેલાથી જ ગુજરાત પોલીસમાં ગેરરીતિ અને પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરવામાં બહાર આવી ચૂક્યું છે. વર્ષ 2003માં તરલ ભટ્ટ અમદાવાદમાં કામ કરી રહ્યા હતા. એ સમયે 2000 કરોડના સટ્ટાકાંડમાં પણ તરલ ભટ્ટની ભૂમિકા હોવાની શંકા હતી. જેના કારણે તેમને જિલ્લાની બહાર જૂનાગઢમાં બદલી કરી દિધી હતી. અમદાવાદ PCBમાંથી ખદેડ્યા બાદ ફરી તરલ ભટ્ટે જૂનાગઢમાં કાંડ કર્યાનો આક્ષેપ લાગ્યો છે.