September 20, 2024

રાહુલ ગાંધીને ઝારખંડ HCનો ફટકો, નીચલી કોર્ટમાં સુનાવણી થશે

રાંચી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 2018માં અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. માહિતી અનુસાર હવે આ મામલામાં રાહુલ વિરુદ્ધ નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલશે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ MP-MLA કોર્ટના સમન્સ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ગત સુનાવણીમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

અમિત શાહને લઇને આપ્યુ વિવાદાસ્પદ નિવેદન
ઉલ્લેખનીય છે કે રાહુલે 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ કરવા માટે રાહુલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. 16 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીની લેખિત પક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ જસ્ટિસ અંબુજ નાથની બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

અગાઉ સુલ્તાનપુર કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે સુલ્તાનપુર કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીએ અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક નેતાએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો, પરંતુ આ કેસમાં સુલ્તાનપુરની MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા હતા. 2018ના આ કેસમાં રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં હાજર થયા ત્યારે ֹ‘ટેન્શન’માં નજરે પડ્યા હતા પરંતુ જ્યારે કોર્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે હસતો ચહેરો જોવા મળ્યો હતો.