શું પ્રજ્જવલ રેવન્ના જર્મનીમાં છે? વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Prajwal Revanna: જેડીએસમાંથી હાંકી કાઢવામાં આવેલા અને કર્ણાટકની હસન લોકસભા સીટના સાંસદ પ્રજ્જવલ રેવન્ના મામલે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. પ્રજ્જવલ રેવન્ના જર્મનીમાં હોવાના સવાલ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમારી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘સાંસદની જર્મની મુલાકાતને લઈને ન તો કોઈપણ પ્રકારની રાજકીય મંજૂરી માંગવામાં આવી હતી અને ન તો આ સંબંધમાં કોઈ માહિતી શેર કરવામાં આવી હતી.’ આ મુલાકાત માટે જે રાજકીય મંજુરી લેવામાં આવી છે તે ન તો માંગવામાં આવી હતી અને ન તો આપવામાં આવી હતી. અમે વિઝા નોટ જારી કરી નથી. રાજદ્વારી પાસપોર્ટ માટે આ જરૂરી નથી. અમે અન્ય કોઈ દેશ માટે વિઝા નોટ જારી કરી નથી.

શું ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ થશે?
ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાના પ્રશ્ન પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, કોર્ટ તરફથી આદેશ આવ્યા બાદ ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. અમને હજુ સુધી આવો કોઈ ઓર્ડર મળ્યો નથી.

પ્રજ્જવલ રેવન્ના પર યૌન શોષણનો આરોપ
ઉલ્લેખનીય છે કે, હાસન લોકસભા સીટના સાંસદ પ્રજ્જવલ રેવન્ના પર કથિત યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આ મામલે JDSએ પ્રજ્જવલ રેવન્નાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. કર્ણાટક સરકારે રેવન્ના સામેના આરોપોની તપાસ માટે SITની પણ રચના કરી છે. એવું માનવામાં આવે છે કે પ્રજ્જવલ રેવન્ના યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ વિદેશ ભાગી ગયો છે અને તે જર્મનીમાં છે.