September 17, 2024

IND vs ZIM: ટીમ ઈન્ડિયાએ T20માં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ ટીમ બની

IND vs ZIM Team India Record: ટી-20 વર્લ્ડ કપ બાદ પણ ભારતીય ટીમનું પરફોર્મન્સ ફોર્મમાં છે. બુધવારે ઝિમ્બાબ્વે સામે રમાયેલી ત્રીજી T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટીમ ઈન્ડિયાએ 23 રને શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ 6 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ T-20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચી દીધો છે.

T-20 ઇન્ટરનેશનલમાં 150 મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ
ભારતીય ટીમ T20માં 150 મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે 230 મેચમાં 150 જીત નોંધાવી છે. આ મામલે પાકિસ્તાન બીજા સ્થાને છે. પાકિસ્તાને 245માંથી 142 મેચ જીતી છે. ન્યૂઝીલેન્ડે 220માંથી 111, ઓસ્ટ્રેલિયાએ 195માંથી 105, ઈંગ્લેન્ડે 192માંથી 100 અને દક્ષિણ આફ્રિકાએ 185માંથી 104 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 65.21 છે. યુગાન્ડાની ટીમ જીતની ટકાવારીના સંદર્ભમાં ઉત્તમ આંકડા ધરાવે છે. યુગાન્ડાએ 95માંથી 70 મેચ જીતી છે. યુગાન્ડાની જીતની ટકાવારી 73.68 છે.

ટીમ ઈન્ડિયાએ સતત 12 જીત નોંધાવી
ટીમ ઈન્ડિયા T-20 ઈન્ટરનેશનલમાં સતત સૌથી વધુ જીતના મામલે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. ભારતીય ટીમે સતત 12 જીત નોંધાવી છે. જ્યારે ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમે સૌથી વધુ 168 રનથી જીત નોંધાવી હતી. આ જીત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે 168 રનથી મળી હતી. ટીમ ઈન્ડિયાએ 100થી વધુ રનમાં પાંચ જીત નોંધાવી છે.