September 20, 2024

જો તમને બિલાડી પ્રિય હોય તો આ દેશમાં જરૂર જજો

Cat

વિશ્વમાં 200થી પણ વધારે દેશો આવેલા છે. દરેક દેશોની પોતાની અલગ ઓળખ અલગ વિશેષતા હોય છે. જેમાં કેટલીક વખત વિચિત્ર વિશેષતાઓ પણ દેખાઈ જતી હોય છે. આજે આવા જ એક વિચિત્ર દેશની વાત કરવી છે જ્યાં બિલાડીઓ રાજ કર છે. જી હા, તમે બરાબર વાંચ્યુ છે. પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં એક એવો દેશ આવેલો છે જે ત્યાંની બિલાડીઓના કારણે પ્રખ્યાત છે.

લેબનોનથી થોડે દૂર સાયપ્રસ દેશ આવેલો છે. સાયપ્રસની ગણતરી વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા દેશોમાં થાય છે, પરંતુ આ સુંદર દેશમાં માણસો કરતા બિલાડીઓની સંખ્યા વધુ છે. આ દેશમાં તમને બિલાડીઓને અત્ર, તત્ર અને સર્વત્ર જોઈ શકો છો. એવી કોઈ જગ્યા, સંસ્થા કે ઓફિસ નહીં હોય જ્યાં તમને બિલાડી ના દેખાય.

બ્રાઝિલના એક ટાપુ ઇલ્હા દા ક્વિમાડા ગ્રાન્ડેને સાપનો ટાપુ કહેવામાં આવે છે, તેવી જ રીતે સાયપ્રસને બિલાડીઓનો દેશ કહી શકાય. સાયપ્રસના નાગરિકોની કુલ વસ્તી 12 લાખથી થોડી વધુ હોવાનું કહેવાય છે, પરંતુ અહીં રહેતી બિલાડીઓની સંખ્યા લગભગ 15 લાખ છે. આ જગ્યાએ માણસો કરતા 2-3 લાખ વધુ બિલાડીઓ રહે છે. ચોંકાવનારી વાત તો એ છેકે આટલી મોટી સંખ્યામાં બિલાડીઓ હોવા છતાં લોકોને તેમની હાજરીથી કોઈ સમસ્યા નથી.

સાયપ્રસમાં આટલી મોટી સંખ્યામાં બિલાડીઓ હોવાના કારણે વિશે જાણવા માટે આપણે તેના ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે. રોમન રાણી સેન્ટ હેલેના ઇજિપ્તથી આવતી વખતે પોતાની સાથે સેંકડો બિલાડીઓ સાયપ્રસ લાવી હતી. અહીં એક પણ સાપ ના આવે તેવી ઈચ્છા સાથે રાણી બિલાડીઓ લાવ્યા હતા. પુરાતત્વ દ્વારા થયેલા સંશોધન મુજબ, 7500 બીસીમાં મળેલી કબરમાં માણસની સાથે એક બિલાડીને પણ દફનાવવામાં આવી હતી. જે દર્શાવે છે કે અહીં બિલાડી પાળવાની પરંપરા જૂની છે. હાલમાં સાયપ્રસ બિલાડીઓ માટે સ્વર્ગ બની ગયું છે. જો તમને પણ બિલાડી ખુબ જ પ્રિય હોય તો એક વખત તો આ દેશની મુલાકાત જરૂર લેજો.