October 10, 2024

ગૃહ મંત્રાલયે હિઝબ-ઉત-તહરિર આતંકવાદી સંગઠન જાહેર કરી, તેના પર પ્રતિબંધ મૂક્યો

MHA Ban On HUTI: કેન્દ્ર સરકારે 1953માં જેરુસલેમમાં રચાયેલા વૈશ્વિક ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ હિઝબ-ઉત-તહરિર (HUT)ને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું છે. આ સાથે સરકારે કહ્યું છે કે આ ઈસ્લામિક કટ્ટરવાદી જૂથનો ઉદ્દેશ્ય ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે. એક નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે HUT કટ્ટરપંથી બનાવવા અને ISIS જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા તેમજ આતંકવાદી પ્રવૃતિઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે ભોળા યુવાનોને પ્રેરિત કરવામાં સામેલ છે.

HUT ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, સુરક્ષિત એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને અને ભોળા યુવાનોને આતંકવાદી કામગીરીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા ‘દાવાહ’ બેઠકનું આયોજન કરીને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે એચયુટી એક એવી સંસ્થા છે જે દેશના નાગરિકોને સંડોવતા જેહાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને ઉથલાવીને ભારત સહિત વૈશ્વિક સ્તરે ઇસ્લામિક રાજ્ય અને ખિલાફતની સ્થાપના કરવાનો હેતુ ધરાવે છે. જે લોકશાહી વ્યવસ્થા અને દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

“જ્યારે, કેન્દ્ર સરકાર માને છે કે હિઝબુત-તહરિર આતંકવાદમાં સામેલ છે અને ભારતમાં અનેક આતંકવાદી કૃત્યોમાં ભાગ લીધો છે,” નોટિફિકેશનમાં આ જૂથને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ, 1967 હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.