દહેજની GFL કંપનીમાં 4 કામદારોના મોતનો મામલો, સાંજ સુધીમાં કંપનીને અપાઈ શકે છે ક્લોઝર નોટીસ
Bharuch: દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 કામદારના મોત મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીમાં તપાસ શરૂ કરી છે. તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કામદારોના પરિવારજનોને 5 લાખના વળતરની જાહેરાત કરી છે. આજે સાંજ સુધીમાં કંપનીને ક્લોઝર નોટીસ અપાઈ શકે છે. આ ઘટનાને લઈને પોલીસે પણ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે દહેજમાં GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર લોકોના મોત થયા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. દહેજના GFL કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં ચાર મજૂરોનાં મોત થયા હતા. જોકે, GFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. હવે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે 5 લાખના વળતરની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર, વાલ્વ લીકેજ થતા ગેસ લીક થયો હતો. તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા.
આ પણ વાંચો: મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની મળી હાર, ટેસ્ટમાં 49મી વખત આવો દિવસ ફરી જોવા મળ્યો