મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનનું ચોંકાવનારું નિવેદન – કેન્સરનો રોગ વધવાનું કારણ દૂધમાં મિલાવટ
યોગીન દરજી, આણંદઃ વિશ્વપ્રસિદ્ધ NDDBની સિલ્વર જ્યુબિલીની ઉજવણીમાં હાજર રહેલા કેન્દ્ર સરકારના પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગના મંત્રી રાજીવ રંજને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. કાર્યક્રમને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં કેન્સરનો રોગ વધવા પાછળ દૂધમાં મિલાવટ મહત્વનું કારણ છે. ખાસ કરીને તેમણે દિલ્હીમાં દૂધમાં થતી યુરિયા ખાતરની મિલાવટને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે અમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને વધુ કડકાઈથી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.
આણંદના વિશ્વપ્રસિદ્ધ NDDBની હીરક જયંતિની ઉજવણીમાં આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે અમૂલ ડેરી અને NDDBના સ્થાપક ત્રિભુવનદાસ પટેલને યાદ કર્યા હતા. આ પ્રસંગે સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ત્રિભુવનદાસ પટેલ એક એવી વ્યક્તિ હતા, જેને જીવનમાં કરોડો ખેડૂતો માટે ઘણું કર્યું પરંતુ તેમને ના નામ મળ્યું કે ના દામ. પરંતુ આજે તેમના કારણે બે કરોડથી વધુ ખેડૂતો સુખચેનનું જીવન જીવી રહ્યા છે.
આ પ્રસંગે જન સંબોધન કરતા સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘અંગ્રેજોના સમયમાં કોલસણ ડેરીના જે સંચાલકોએ ખેડૂતો સાથે અન્યાય કર્યો હતો. તેમનો પણ આભાર માનવો રહ્યો. કારણ કે જો ટોલસન ડેરીના સંચાલકોએ ખેડૂતો સાથે અન્યાય ન કર્યો હોત તો ત્રિભોવનદાસ પટેલ સરદાર પટેલને ન મળ્યા હોત અને આજે આટલી મોટી કો-ઓપરેટિંગ સંસ્થાનું નિર્માણ ન થયું હોત.’