December 21, 2024

કર્ણાટકમાં ક્રોસ વોટિંગની આશંકા, કુમારસ્વામીએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

Rajya Sabha elections 2024 Voting: કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણી માટે તેમના મત આપવા વિધાનસભા પહોંચ્યા હતા. તમામ ધારાસભ્યો બેંગલુરુની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા અને બસમાં એકસાથે મતદાન કરવા આવ્યા હતા. બીજી બાજુ ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડે તેમના ગઠબંધનના બંને ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસના ધારાસભ્યોમાં ભારે અસંતોષ છે. વિકાસના કામો માટે એક રૂપિયો પણ કોઈને આપવામાં આવ્યો નથી. કોંગ્રેસ સરકાર છેલ્લા નવ મહિનામાં સંપૂર્ણપણે નિષ્ક્રિય રહી છે. અમને વિશ્વાસ છે કે અસંતુષ્ટ ધારાસભ્યો અમારા NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ના ઉમેદવારને મત આપશે.

કર્ણાટકમાં બપોરે 1 વાગ્યા સુધી 214 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું
બપોરે 1 વાગ્યા સુધીમાં કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણી માટે 214 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. બીજી બાજુ અખિલેશ યાદવે સોશિયલ મિડીયા પોસ્ટ પર લખ્યું કે આ સાચા મિત્રોની કસોટી હતી, વધુમાં કહ્યું કે રાજ્યસભામાં અમારી ત્રીજી બેઠક ખરેખર સાચા સાથીઓને ઓળખવાની પરીક્ષા હતી અને એ જાણવાનું હતુ કે કોણ કોણ હૃદયથી PDAની સાથે છે અને કોણ અંતરાત્માથી. તે દલિતો અને લઘુમતીઓ વિરુદ્ધ છે. હવે બધું સ્પષ્ટ છે, આ ત્રીજી સીટની જીત છે.

યુપીમાં પણ ક્રોસ વોટિંગનો ડર
યુપીમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થવાની સંભાવના છે. નોંધનીય છે કે સપાના ધારાસભ્યો મનોજ પાંડે અને આશુતોષ મૌર્યએ ભાજપના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી છે. સપાના બંને ધારાસભ્યો પણ મતદાન કર્યા બાદ યુપીના આબકારી મંત્રી નીતિન અગ્રવાલના રૂમમાં પહોંચ્યા હતા.

કોંગ્રેસે કર્ણાટકમાં ક્રોસ વોટિંગનો દાવો કર્યો છે
કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મંગળવારે ‘ક્રોસ વોટિંગ’ની આશંકા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે અને રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસે વિરોધી છાવણીમાંથી ધારાસભ્યોનું સમર્થન મેળવવાનો દાવો કર્યો છે. ‘ક્રોસ-વોટિંગֹ’ના ડરથી કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ-સેક્યુલર (JD-S) ગઠબંધને સોમવારે તેમના ધારાસભ્યોને ખાનગી રિસોર્ટમાં રાખ્યા હતા.

‘અમારા ત્રણેય ઉમેદવારો જીતશે’
સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે ‘ભાજપે પણ જીતવા માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે પરંતુ પાંચમા ઉમેદવારને જીતવા માટે 45 વોટની જરૂર છે, પરંતુ શું તેની પાસે 45 વોટ છે? તેઓ નંબર વિના કેવી રીતે જીતશે? તેઓ અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે અમે એફઆઈઆર દાખલ કરી છે. અમને આશા છે કે અમારા ત્રણેય ઉમેદવારો જીતશે.

ભાજપ-જેડીએસના નેતાઓએ મતદાન કર્યું હતું
ભાજપના નેતા અને ભૂતપૂર્વ સીએમ બસવરાજ બોમાઇ અને જેડીએસના વડા કુમારસ્વામી સહિત આર અશોક, વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

CMએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. બીજી બાજુ કોંગ્રેસના નેતા અને કર્ણાટક સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ કહ્યું, ‘અમારા ત્રણેય ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી જીતશે. ક્રોસ વોટિંગ થશે નહીં. કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવાર મેદાનમાં છે. મને ખબર નથી કે જનાર્દન રેડ્ડી શું કરશે, પરંતુ તેઓ કોંગ્રેસને સમર્થન આપે તેવી સંભાવના છે.’

‘સાંજે પાંચ વાગ્યા સુધી રાહ જુઓ’
કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના નેતા બસવરાજ બોમાઈએ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. રાજ્યસભાની ચૂંટણીના મતદાન બાદ બસવરાજ બોમાઈએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘સાંજે પાંચ વાગ્યા સુધી રાહ જુઓ.’