December 30, 2024
શ્રાદ્ધ :શ્રદ્ધાનો વિષય
Trilok Thaker
Expert Opinion

શ્રાદ્ધ,  એ શ્રદ્ધાની ઉજવણી નો   વિષય છે . જીવન પર્યંત જે ભોગવીએ છીએ તે માંહેનો એક સંસ્કાર  એટલે શ્રાદ્ધ .શ્રાધ્ધના દિવસો  ચાલે છે ત્યારે,  એકવાર વૈદિક સાહિત્યનો સહારો લઈ તેની ઉજવણી કરી લઇએ. .કારણકે હાલની  પેઢી શ્રાદ્ધનું શ્રધાપુર્વક પૂજન ન કરતા, એક સીધી સાદી ભાવવિહીન ક્રિયા સમજી “કામ પતાવે છે .” આ નરી શુષ્કતા થી  થતા  કાર્યમાં    ફરી શ્રદ્ધા જન્મે, તે માટે વૈદિક સાહિત્યમાં  શ્રાદ્ધનું જે મહત્વ છે તેનું થોડું આચમન કરીએ .

અર્થ અને મહત્વ  :

શ્રાદ્ધનો સીધો સાદો  અર્થ  થાય છે : શ્રદ્ધાપૂર્વક કરેલું કામ.  સંસ્કૃત માં .”શ્રધાયમ ઈદમ શ્રાદ્ધ “ , કે  “ શ્રધયા  કૃતમ સમ્પાદીતમ  ઇતિ શ્રાદ્ધ “. તેવું વાક્ય છે.  ભાદરવા મહિનાના વદ એકમ થી  એક પખવાડિયું શ્રાદ્ધ કહેવાય છે.  પિતૃઓ અને ઋષિ મુનીઓ  એ આપણા  પૂર્વજો  છે, જેને શ્રધા પૂર્વક યાદ કરવાની પ્રાથના એ શ્રાદ્ધ  છે ,  તેને પાણીની  અંજલિ આપવાની,  એ આપણા તેના પ્રત્યેના  વ્યક્ત  થતી સ્નેહની  ભાવાંજલિ છે.  શ્રાદ્ધ  આપણી  ઋષિ સાંસ્કૃતિક શ્રુંખલા ની  એક કડી છે. સાચું પૂછો તો આપણે આપણા સંતાનો માટે સારા ભવિષ્યની, આપણા માટે સંપતી ની  પ્રાપ્તિની,  આપણી કાર્યસિદ્ધિ માટે  પિતૃઓ ને  પ્રાથના કરીએ છીએ..

આપણા  કેટલાક ઋણ માં થી  મુક્ત થવા  માટે આપણને જીવન મળ્યું  છે. આપણા પર  દેવ ઋણ, પિતૃઋણ, ઋષિઋણ એમ ત્રણ ઋણ છે.   કારણકે જન્મો વચ્ચેના સમયમાં  દેવ આપણા  આત્મા  ને રક્ષણ આપે છે, તો દેવનું ઋણ થયું. નવા  જન્મ માટે, માતા પિતા પોતાના લોહી માંથી આપણને શરીર  આપે  છે. તે જ રીતે સમગ્ર જીવન જીવવા   ઋષિ આપણને સંસ્કાર આપે છે . આમ    દેવ ઋણ,  ઋષિ ઋણ.  પરંતુ  માતા પિતાનું તો ડબલ ઋણ છે  જે શરીર તો આપે છે ,તથા પોતાનો  વંશ વારસ  સુખ શાંતિ થી જીવન જીવે તે માટે, પોતાનું  જીવન પણ ઘસી નાખે છે.  આવા બેવડા  કર્મયોગી સમ માતા પિતાનું  ઋણ. આમ ત્રણ ત્રણ  ચૂકવવા નો અવસર એટલે શ્રાદ્ધ.

તેથી શ્રી વેદવ્યાસજી માર્ગ દર્શન આપતા,   સાચું જ કહે છે કે  :- “જે દ્વિજ, શ્રાદ્ધ  દ્વારા પોતાના મૃત પિતા પિતામહ પ્રપિતામહ ને સંતુષ્ટ કરે છે તે પિતૃ ઋણ માંથી  મુક્ત થાય છે અને બ્રહ્મ લોક પામે છે”.

આપણા વૈદિક સાહિત્ય ના ત્રણ મુખ્ય વિષયો -કાંડ   છે. ૧. કર્મકાંડ  ૨. ઉપાસના -પૂજા કાંડ અને  ૩. આધ્યાત્મિક જ્ઞાન કાંડ.  આમતો ત્રણેય વિષયમાં પિતૃ તર્પણનો ઉલ્લેખ  છે જ પરંતુ  કર્મકાંડ ની   અંદર વિશેષ રીતે  વેદોક્ત પૂજા, યજ્ઞ તથા અનુષ્ઠાન ની વિધિ સાથેનો “પિતૃયજ્ઞ “ યાને  શ્રાદ્ધને  દર્શાવ્યા છે.

શ્રાદ્ધનું મહત્વ દર્શાવતા  કેટલાક ઋષિઓના વચનો સમજવા જેવા છે.

જેમકે ,યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ માં કહ્યું છે :-

  • “”શ્રાદ્ધ કર્મથી સંતુષ્ટ થઇ  પિતૃઓ, મનુષ્યો ને આયુષ્ય, સંતતિ, ધન ,વિદ્યા, સ્વર્ગ ,મોક્ષ તથા રાજ્ય પ્રદાન કરે છે. “”

મહર્ષિ જાંબલી કહે છે “

  • પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, અમાપ ઐશ્વર્ય અને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. “

.મહર્ષિ પરાશર  શ્રાદ્ધની ક્રિયા સાથેનો અર્થ આપે છે. શ્લોક છે:-

  • દેશ કાલે ચ પત્રે ચ વિધિના હવિષા ચ યત | તિલ ઐવ દર્ભસ્ચ મંત્રઐવ શ્રાધમ સ્યાતધ્યા યુત્અમ || યાને : દેશ કાલ અનુસાર પાત્રમાં દર્ભ, જવ, તલ, લઇ  મંત્ર પૂર્વક કરાતી અંજલિ એટલે શ્રાદ્ધ..

તો મહર્ષિ મરીચી કહે છે :

  • મૃત પિતૃઓ ને નિમિતે ભાવતું ભોજન આપણા જ લોકને શ્રદ્ધા પૂર્વક અર્પણ કરીએ એટલે શ્રાધ કર્યું કહેવાય. આવો જ ભોજન અર્પણ કરવાના અર્થવાળો શ્લોક મહર્ષિ બૃહસ્પતિ નો છે..

ટૂંકમાં ઘણા બધા ઋષીઓ , મહર્ષિ ઓ એ  શ્રાદ્ધ  ની મહતા દર્શાવી છે .જેમાં  યજ્ઞ અને ભોજન અને બ્રાહ્મણ  ને મહત્વ આપ્યું છે.

વિધિ :-તેનું મહત્વ

અલબત   જયારે  માત્ર શ્રાદ્ધ ક્રિયામાં  કાગડા ને પાણી, દૂધ કે ખીર  અર્પણ કરી, પિતૃઓ ને    યાદ કરીને  સાથે બેસી ભોજન કરવામાં આવે છે ત્યારે  સાદું શ્રાદ્ધ  કહેવાય છે.  આપણા શાસ્ત્રો માને છે   કે ગાય કુતરાં, બ્રાહ્મણો અને   કાગડા માં  પિતૃ નો વાસ હોય છે.  જેને પ્રત્યક્ષ પિતૃઓ કહે છે .    આ જ રીતે, પરંતુ   ભોજન પહેલા,  યજ્ઞ કરી   પાણી કે દૂધ મિશ્રિત, ખીર, દૂધપાક અને   પાણીની  અંજલિ  કાગડા ને આપીએ ત્યારે તર્પણ કર્યું કહેવાય. તર્પણ એટલે તૃપ્ત કરવાની ક્રિયા.

  • બ્રહ્મપુરાણ પ્રમાણે રીતે શ્રાદ્ધ  એક પેઢીના પૂર્વજોનું હોય છે. પ્રમાણે ત્રણ પેઢીને (પિતા,પિતામહ અને પ્રપિતામહ તેજ રીતે માતા, માતામહી, પ્રમાંતામહી ) યાદ કરી શ્રાદ્ધ ક્રિયા કરાય તેને   યજ્ઞ વાળી  તર્પણ ક્રિયા કહે છે  :  જેનો શ્લોક છે ::-
  • પિતા પિતામહસ્ચ ઐવ તથૈવ પ્રપિતામહ;|ત્રયો હ્યશ્રુંમુખા હ્યેતે પીતર: પરીકીરત્તા||

આજ રીતે  અન્ય કેટલાક પુરાણો પણ શ્રાધ ક્રિયાનું મહત્વ દર્શાવે છે .

  • કુર્મ પુરાણ કહે છે ;- કોઈ પણ પ્રાણી એકાગ્ર ચિતથી  શ્રાદ્ધ કરે છે એ સમસ્ત પાપથી મુક્ત થાય છે અને ફરી સંસાર ચક્રમાં આવતા નથી.
  • તો ગરુડ પુરાણ કહે છે :-શ્રાદ્ધ કર્મ થઈ સંતુષ્ટ થઈ પિતૃઓ મનુષ્યને આયુ ,પુત્ર યશ ,સ્વર્ગ કીર્તિ,બળ વૈભવ પશુ સુખ ધન ધન્ય આપે છે.
  • બ્રહ્મ પુરાણ કહે છે :- જે મનુષ્ય શ્રધ્ધા ભક્તિ થી શ્રાદ્ધ કરે છે તેના કુળમાં ક્યારેય દુ:ખ આવતું નથી.

શ્રાદ્ધ શામાટે?

એ સર્વ સિધ્ધ હકીકત છે કે  આપણા ઋષિઓએ , પિતૃઓ એ,  વિચારો, કર્મો, પરમ્પરા તથા ધર્મના આદર્શો નું પાલન કરવા પાછળ પોતાનું જીવન અર્પણ કર્યું હતું. જેના કારણે આપણને સંપતિ,, સંસ્કાર અને સમાજ મળ્યા છે જેના વડે  આપણી સંસ્કૃતિ, સનાતન ધર્મ ઘડાયો અને ચિરંતન બન્યો છે. ત્યારે આપણે પણ  આ દિવસોમાં,  શ્રાધ ક્રિયા કરી પિતૃ ઋણ ચૂકવીએ એ ફરજ બને છે .

આ આપણી કૃતજ્ઞતા છે. પણ હા, જો ન કરીએ તો આપણા જેવા કૃતઘ્ની કોઈ નથી . કેમ કે પાંડુરંગ આઠવલેજી કડક  ચેતવણી આપતા, એક શ્લોકમાં  કહે છે.:-

“”બ્રહ્મ્ન્ઘ ચ સુરાપે  ચ ચૌરે ભગ્નવ્રતે   તથા |નીશ્કૃતિ વિહિતા લોકે કૃત્ઘને નાસ્તી નીશ્કૃતિ |:-

યાને બ્રહ્મ હત્યા સુરાપાન ચોરી વ્રતભંગ બધા પાપનું પ્રાયશ્ચિત છે. પણ કૃતઘ્નતા નું કોઈ પ્રાયશ્ચિત કોઈ નથી “”

વિદેશીની નજરે  શ્રાદ્ધ

કેટલાક અન્ય   ધર્મોમાં પિતૃ-પૂજા વર્ણિત છે. મોગલ ઇતિહાસકાર આકિલખાન, પોતાના પુસ્તક “”વાકેઆત આલમગીરી “”માં    મોગલ બાદશાહ શાહજહાં એ કેદ માંથી પોતાના પુત્ર   ઓરન્ગજેબને લખેલા પત્રમાં પણ   આપણા  શ્રાદ્ધ નો ઉલ્લેખ કરી, લખે છે “ સો સો વાર  એ હિન્દુઓની પ્રશંસા  કરું છું .  કે જે પોતાના  મૃત પિતાઓને પણ પાણી પાઈ તૃપ્ત કરે છે “

એક  સંસ્કૃત વિદ્વાન અંગ્રેજ કહે છે “ હિંદુઓમાં શ્રાદ્ધ ની પ્રથા ઘણી પ્રાચીન છે. જે આજે પણ અતિ પવિત્ર અને આધુનિક છે. જે ઈસાઈ પ્રમાણે  “ પવિત્ર   સહભાગીદારીપણું   યાનને   હોલી કોમ્યુંનીયન નું જ ઉદહરણ  છે. જે રીતે હિંદુ આ શ્રાદ્ધ ને હૃદય માં પિતૃ પ્રતિ અગાધ સ્નેહ ભરી  સ્મરણ કરે છે, તે પ્રસંશનીય છે.””  આ અંગ્રેજ  કન્ફેશન કરતા કહે છે  અમારા ઈસાઈ મત માં પૂર્વજો ની સ્મૃતિ ને ન માનવી એ તૃટી છે, કમી છે”  (લે.:એસ. કાન્ત “ક્લ્યાણ” હિંદુ સંસ્કૃતિ વિશેષ અંક. ૨૦૫૫)

આપણા દરેક તહેવાર સમાજને એક સાંકળમાં ગુથતા અંકોડા  સાબિત થાય છે.  સમાજનો પાયો પરિવાર છે અને  પરિવારના  ઘડતર માટે શ્રાદ્ધ અનન્ય બળ પૂરું પડે છે શ્રાદ્ધ ના દિવસોમાં પરિવારના ભાઈઓ બહેનો સાથે મળી પૂર્વજ ની પૂજા કરી સાથે જમે છે. કહેવાય છે ને કે જેના અન્ન એક તેના મન એક.  આ શ્રાદ્ધની બાય પ્રોડક્ટ છે.

પ્રકાર:

કેટલાક પુરાણોમાં શ્રાદ્ધના પ્રકાર પણ દેર્શાવેલા છે જેમકે

  • મત્સ્ય પુરાણમાં એક શ્લોક દ્વારા ત્રણ પ્રકારના શ્રાદ્ધ બતાવ્યા છે :

નિત્યમ,નૈમિતિકમ કામ્યમ ત્રિવિધમ શ્રાદ્ધમુચ્યતે |

યાને રોજ કરતાં  ‘નિત્ય શ્રાદ્ધ’ ,કોઈ નિમિતે કરતું ‘નૈમિતિક શ્રાદ્ધ’,તથા કોઈ ખાસ કામની પ્રાપ્તિ માટે કરાતું ‘કામ્ય શ્રાદ્ધ’ .

  • તે જ રીતે યમસ્મૃતિમાં પાંચ પ્રકારના શ્રાદ્ધ બતાવ્યા છે. જેમકે:- ઉપરના ત્રણ “નિત્ય,નૈમિતિક કામ્ય આ ઉપરાંત “વૃદ્ધિ શ્રાદ્ધ અને પાંચમું “પવર્ણ શ્રાદ્ધ

જયારે પુત્ર જન્મ ,વિવાહ, વગેરે માંગલિક પ્રસંગ માટે કરતા શ્રાદ્ધ ને વૃદ્ધિશ્રાદ્ધ કહેવાય છે. તો ક્યારેક વીશિષ્ટ તહેવાર માટે કરાતા “પર્વણ શ્રાદ્ધ કહેવાય  છે.

  • તો ભવિષ્ય પુરાણમાં ૧૨ !પ્રકારના શ્રાધ્ધનો ઉલ્લેખ છે જેમાં ઉપરોક્ત પાંચ ઉપરાંત,

૬. પ્રેત માટે શ્રાદ્ધ સાથે પીંડદાન નું  “પિંડદાન શ્રાદ્ધ ,”

૭, ગૌશાળામાં ગાયની સમક્ષ કરતું   “ગૌષ્ટિ શ્રાદ્ધ,

૮. કર્મ શુદ્ધિ માટે બ્રાહ્મણ સાથે કરાતું ભોજ સાથેનું   “શુધાર્થ શ્રાદ્ધ”

૯. ગર્ભાધાન માટે સોમરસવાળું ‘ “  કર્માંગ શ્રાધ

૧૦ દેવતાને વિશિષ્ટરીતે ખુશ કરવા “ દૈવિક શ્રાદ્ધ “

૧૧  તીર્થ યાત્રાના ઉદેશ્યથી ઘી કરતું “ યાત્રાર્થ શ્રાદ્ધ “

અને ૧૨. શારીરિક આર્થિક સામાજિક ઉન્નતી માટે  “ પુષ્ટ્યાર્થ શ્રાદ્ધ.”

 

આપણા વૈદિક સાહિત્યમાં શ્રાદ્ધની વિસ્તૃત મહતા અને વિધિ, વિચારો વગેરે થયા છે તો તેની પાછળ કારણ શું હોય શકે ?? એક મત પ્રમાણે “ અસંતુષ્ટ વિચાર, અને લાગણીઓ  આત્મા,  જયારે શરીર છોડે છે ત્યારે, સાથે જ લઈને જાય છે જે તેના પુન:જન્મનું કારણ બને છે પરંતુ જ્યાં સુધી તે નવો જન્મ ન પામે ત્યાં સુધી આ અતૃપ્ત ઈચ્છા ઓ લાગણીઓ તેના ગત જન્મના  સંબંધો સાથે  અદ્રશ્ય પણે જોડાયેલો રહે છે. આ સમયે તેના સંતાનો પાસે તેની ઈચ્છાની તૃપ્તિની અપેક્ષા રાખતો રહે છે.  આમ શ્રાદ્ધ દ્વારા આપણે આપણા  સદગત આત્માઓની ત્તૃપ્તી કરીએ છીએ.

આ વિચાર, કલ્પના માત્ર હોય શકે છે. પણ તે સાચી કે ખોટી ઠરે નહીં, ત્યાં સુધી તો આપણી ફરજ  છે કે  આ ધાર્મિક પરમ્પરાનું  શ્રધ્ધા  પૂર્વક પાલન કરીએ. આખરે તો કોઈ શોધ સંશોધન, શ્રધ્ધા બીજ નું જ ફળ છે.