December 23, 2024

દુબઈમાં રમાશે ભારતની તમામ મેચ, સેમિફાઇનલ-ફાઇનલ માટે ICCની અલગ વ્યવસ્થા

Champions Trophy: આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પહેલાથી જ આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માહિતી આપી ચૂકી છે. આ દરમિયાન પીટીઆઈએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે, ભારત તેની તમામ મેચો દુબઈમાં રમી શકે છે. જો રોહિત શર્મા અને ટીમ સેમિ-ફાઇનલ અને ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં સફળ થાય છે, તો પણ તેઓ તેમની તમામ મેચો માત્ર સંયુક્ત આરબ અમીરાત (UAE)માં જ રમશે.

દુબઈ ભારતની મેચોની યજમાની કરશે
પીટીઆઈએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) સાથે સંકળાયેલા એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી અને તેમના યુએઈ સમકક્ષ શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે..

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો તટસ્થ સ્થળો પર રમાશે. આનો અર્થ એ થયો કે હવે બંને ટીમો કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં એકબીજાના દેશનો પ્રવાસ નહીં કરે અને બંને ટીમો વચ્ચેની મેચ તટસ્થ સ્થળે રમાશે. આ નિયમ 2024-2027 સુધી અમલમાં રહેશે. આનાથી સ્પષ્ટ થયું કે, ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલમાં જ થશે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આઈસીસીએ કહ્યું કે, આગામી ટુર્નામેન્ટનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારત અને પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે.