BJPને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી
BJP National President: દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરશે. સૂત્રો અનુસાર, પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે થવાની સંભાવના છે. વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી ચૂંટણી સુધી ભાજપનું નેતૃત્વ ચાલુ રાખશે. અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં જ સમાપ્ત થઇ ગયો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.
BJPની સંગઠનાત્મક ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યોની ચૂંટણી હાલમાં થઈ રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલાં ઓછામાં ઓછા 50% રાજ્ય એકમોએ તેમની સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ કરવી પડશે. અત્યાર સુધી માત્ર ચાર રાજ્યોએ જ તેમના પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ભાજપના નેતાઓના મતે, સંગઠનાત્મક ચૂંટણીઓ સમયપત્રક મુજબ થઈ રહી છે અને સમયસર પૂર્ણ થશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે?
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી PM નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતની મંજૂરીથી કરવામાં આવશે. આ રેસમાં અત્યાર સુધી સૂત્રો દ્વારા ઘણા નામો સામે આવ્યા છે. જોકે, ભાજપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેના નામોની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત રાજકીય વર્તુળોમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર યાદવ સાથે વિનોદ તાવડે અથવા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનમાંથી કોઈ એકની શક્યતા પ્રબળ છે.
છેલ્લી સંગઠનાત્મક ચૂંટણીઓમાં ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામ પણ સમાચારમાં હતા, પરંતુ આખરે આ ભૂમિકા જેપી નડ્ડાને સોંપવામાં આવી. ત્રણેય નેતાઓએ પક્ષમાં પોતાના કામ દ્વારા અનુભવ મેળવ્યો છે. ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનના છે. જ્યારે, ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાથી આવે છે. વિનોદ તાવડે મહારાષ્ટ્રના છે. ત્રણેય નેતાઓ અમિત શાહના નજીકના માનવામાં આવે છે.
પાર્ટીના બંધારણ મુજબ, ઓછામાં ઓછા 15 વર્ષથી પક્ષના સભ્ય રહેલા વ્યક્તિને જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય છે. અગાઉ, 2010થી 2013 સુધી, સંગઠનની કમાન નીતિન ગડકરી પાસે હતી. રાજનાથ સિંહ 2005થી 2009 અને પછી 2013થી 14 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. અમિત શાહે 2014થી 2020 સુધી ભાજપની કમાન સંભાળી હતી.